રાજકોટના નાગેશ્ર્વર વિસ્તારમાં રહેતા પ્રોફેસરનું હૃદય બેસી ગયું
સુરતમાં એક મહિલા અને એક રત્નકલાકારનું મોત: વડોદરામાં પણ હાર્ટ એટેકે બેનો ભોગ લીધો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની હારમાળો વધી રહી છે ત્યારે આજે ફરી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં એક જ દિવસમાં 5 લોકોના મોત થયા છે. હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. આજે ફરી સુરતમાં બે, વડોદરામાં બે તો રાજકોટમાં એકનું હાર્ટ એટેકથી મોત થયું છે. સુરતમાં હાર્ટ એટેકથી વધુ બે વ્યક્તિના મોત થયા છે. વિગતો મુજબ પુણા ગામની મહીલા ઘરકામ કરતી વખતે ઢળી પડ્યા હતા. જે બાદમાં તેમને સ્મિમેરમાં સારવાર અર્થે ખસેડાયા બાદ તેમનું મોત થયું છે. આ તરફ અન્ય એક ઘટનામાં રાંદેરમાં રહેતા રત્નકલાકારનું મૃત્યુ થયું છે. 39 વર્ષીય બાબુ પરમારને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. સંસ્કારી નગરી વડોદરામાં પણ દિવસેને દિવસે હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે. વિગતો મુજબ વડોદરામાં 17 દિવસમાં 14 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. આ તરફ છેલ્લા 24 કલાકમાં તરસાલીમાં 51 વર્ષીય ભરત પરમારનું હાર્ટએટેકથી મોત થયું તો વાસણા રોડ પર રહેતા સમીર કૌલનું પણ હાર્ટએટેકના કારણે મોત થયું છે.
રાજકોટમાં સતત વધી રહ્યા છે હાર્ટ એટેકના બનાવો
ગુજરાત રાજ્ય સહિત રાજકોટમાં પણ દિવસેને દિવસે હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે. આંકડાઓ મુજબ રાજકોટમાં સંભવિત રીતે સપ્તાહમાં 2-3 વ્યક્તિના હાર્ટએટેકના કારણે મોત થાય છે. આ તરફ ફરી એકવાર રાજકોટમાં એક પ્રોફેસરનું હાર્ટએટેકથી મોત થયું છે. રાજકોટના નાગેશ્ર્વર વિસ્તારમાં રહેતા 44 વર્ષીય પ્રોફેસર મિતેષ ભાઈ ચૌહાણનું હૃદય એકાએક બંધ પડી જતાં તેમનું મોત થયું છે. વિગતો મુજબ તેઓ કચ્છની નવોદય વિદ્યાલય ખાતે ફરજ બજાવતા હતા. તેમનાં અચાનક મૃત્યુથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે.