કતારગામથી કામરેજ સુધી લોકોનો મેળાવડો: ભાવનગરનું ભાડું રૂ.600માંથી રૂ.1400, ડબલ સોફાનો ભાવ રૂ.3000 સુધી પહોંચ્યો
વરાછા રોડ પર 10 KM સુધી બસોની લાઇન, પ્રાઇવેટ બસ સંચાલકોની ઉઘાડી લૂંટ
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
‘મિનિ ભારત’ ગણાતું સુરત શહેર દિવાળીના વેકેશનને કારણે દિવસ અને રાત ખાલી થઈ રહ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયેલા લાખો લોકો છેલ્લા છ દિવસથી પોતાનું વતન પરત ફરી રહ્યા છે,
જેના કારણે બસ સ્ટેશનો અને ખાનગી બસ પાર્કિંગ પોઇન્ટ્સ પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી વિસ્તાર ગણાતા વરાછા રોડ પરનો નજારો ચોંકાવનારો છે. કતારગામ ખાતેના ખાનગી બસ પાર્કિંગથી લઈને કામરેજ સુધીના 15 કિલોમીટરના વિસ્તારમાં લક્ઝરી બસોમાં બેસવા માટે 10 કિલોમીટર સુધી લોકોનો મેળાવડો જામ્યો છે. ગૌશાળા, હીરાબાગ, કાપોદ્રા, સરથાણા જકાતનાકા સહિતના તમામ પોઇન્ટ્સ પર બસોની લાંબી કતારો લાગી જાય છે, જેના કારણે ટ્રાફિકને પણ અસર પહોંચી રહી છે.
એક તરફ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે, જેના કારણે અનેક રત્નકલાકારોએ નોકરી ગુમાવી છે અથવા અડધા પગારે કામ કરી રહ્યા છે. બીજી તરફ, દિવાળીમાં વતન જવાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ખાનગી લક્ઝરી બસના સંચાલકોએ ભાડામાં બમણોથી ત્રણ ગણો વધારો ઝીંકી દીધો છે.
સામાન્ય દિવસોમાં ભાવનગર જવા માટે સિંગલ સોફાનું ભાડું ₹600 આસપાસ હોય છે, જે હાલમાં ₹1400 સુધી પહોંચી ગયું છે.
તેવી જ રીતે, અમરેલીનું ભાડું ₹600 માંથી ₹1200 વસૂલવામાં આવી રહ્યું છે. સૌથી વધુ લૂંટ ડબલ સોફા બોક્સમાં જોવા મળી રહી છે, જેનો ભાવ ₹2800થી ₹3000 સુધી પહોંચ્યો છે.
જ્યાં બે વ્યક્તિની ક્ષમતા છે, ત્યાં ચાર રત્નકલાકારો વ્યક્તિ દીઠ ₹1000 ચૂકવી કુલ ₹3000થી ₹4000 ચૂકવીને મુસાફરી કરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.