મંગળવાર (12 સપ્ટેમ્બર, 2023) ના રોજ સવારના 11 વાગ્યા સુધીમાં સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. નોંધનીય છે કે સોમવારે (11 સપ્ટેમ્બર) અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અન્ય નેતાઓના નવા નામોની યાદી જાહેર થઈ હતી.
સુરત : મહાનગરપાલિક દ્વારા નવનિયુક્ત મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય જવાબદારીઓની ઘોષણા કરવામાં આવી છે. જેમાં સુરત મહાનગરના 38મા મેયર તરીકે દક્ષેશ માવાણીને જવાબદારી સોંપાઈ છે.
આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલ, દંડક ધર્મેશ વાણયાવાળા અને શાસક પક્ષના નેતા તરીકે શશી ત્રિપાઠીની નિમણુંક કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના કેન્દ્ર સમાન રાજકોટ મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે નયનાબેન પેઢડિયાના નામ પર મહોર લાગી છે. ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની વરણી કરવામાં આવી છે.
ભાવનગર : આ જ સમયે ગુજરાતની ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની પણ ઘોષણા કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે ભરતભાઈ બારડના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો છે.
ભાવનગરના ડેપ્યુટી મેયર ત્રિકે મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ત્રિકે રાજુભાઈ રાબડીયા, શાસક પક્ષના નેતા તરીકે કિશોરભાઈ ગુરુમુખાણી તથા દંડક તરીકે ઉષાબેન બધેકાના નામોની જાહેરાત થઈ છે.
જામનગર : આ સાથે જ સૌરાષ્ટ્રની જામનગર મહાનગરપાલિકામાં મેયર તરીકે વિનોદ ખીમસુરીયાનું વરણી કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત થઇ છે. જામનગર મનપાનાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આશિષ જોષીના નામ પર મહોર લાગી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની મહાપાલિકાઓમાં મેયર સહિતની પ્રમુખ જવાબદારીઓની અઢી વર્ષની ટર્મ પુરી થતાં નવા હોદ્દેદારોના નામ જાહેર થઇ રહ્યા છે. તેવી જ રીતે અમદાવાદ, વડોદરાના નવનિયુક્ત પ્રમુખ હોદેદારોની વરણી થઇ ચુકી છે. તે જ શ્રેણીમાં હવે સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરના પ્રમુખ હોદેદારોની વરણી 12 સપ્ટેમ્બરના રોજ થવા પામી છે.
શાહીબાગના ભાજપ કોર્પોરેટર પ્રતિભા જૈનને અમદાવાદના નવા મેયર બનાવવામાં આવ્યા છે. હાલમાં તેઓ અખઈની મહિલા અને બાળવિકાસ કમિટીના ચેરમેન છે. તેઓ સતત 3 ટર્મથી આ જ વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે. મેયર સિવાયના હોદ્દેદારોમાં ડેપ્યુટી મેયર તરીકે ઘાટલોડિયાના ભાજપ કોર્પોરેટર જતીન પટેલની વરણી કરવામાં આવી છે. અતિમહત્વપૂર્ણ એવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે બોડકદેવ વોર્ડના ભાજપ કોર્પોરેટર દેવાંગ દાણીની પસંદગી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે ભાજપ કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ સિવાય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરના નવા મેયરનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલની વરણી કરવામાં આવી છે.