મનીષ સિસોદિયાએ એક્સાઈઝ પોલિસી કેસમાં 17 મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન
દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મનીષ સિસોદિયાએ એક્સાઈઝ પોલિસી કેસમાં 17 મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે દારૂ નીતિ કેસમાં મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. કોર્ટે શરતો લાદી અને તેને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા અને સાક્ષીઓને પ્રભાવિત ન કરવા નિર્દેશ આપ્યો. હવે સિસોદિયા 16 મહિના પછી જેલમાંથી બહાર આવી શકે છે.
- Advertisement -
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથની ખંડપીઠે ત્રણ દિવસ પહેલા 6 ઑગસ્ટના રોજ આ મામલે આદેશ અનામત રાખ્યો હતો. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. વાસ્તવમાં હાઈકોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી.
મહત્વનું છે કે, ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે EDના વકીલે 3 જુલાઈ સુધીમાં તપાસ પૂર્ણ કરવાનું કહ્યું છે. આ ઓક્ટોબર 2023માં સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલી 6-8 મહિનાની મર્યાદાથી વધુ છે. આ વિલંબને કારણે નીચલી અદાલતમાં ટ્રાયલ શરૂ થવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. વ્યક્તિગત સ્વતંત્રતા એ મૂળભૂત અધિકાર છે. યોગ્ય કારણ વગર તેનું ઉલ્લંઘન કરી શકાતું નથી.
મનીષ સિસોદિયાને જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જામીનના મામલામાં હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટ સજા તરીકે નકારી શકાય નહીં. હવે સમય આવી ગયો છે કે અદાલતો સમજે કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે.
સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા શું કહ્યું?
ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે મનીષને લાંબા સમય સુધી જેલમાં રખાયા છે. કોઈપણ પ્રકારની સજા વિના કોઈને આટલા લાંબા સમય સુધી જેલમાં રાખી ન શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે મનીષ સિસોદિયાને નીચલી કોર્ટ પછી હાઈકોર્ટ જવા કહ્યું હતું અને તેના પછી જ સુપ્રીમ કોર્ટમાં આવવા કહ્યું હતું. તેમણે બંને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પછી મનીષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પહેલા આદેશ અનુસાર 6થી 8 મહિનાની મુદ્દત વીતી ગઈ છે. વિલંબના આધારે જામીનની વાત અમે ગત વર્ષે ઓક્ટોબરના આદેશમાં જ કહી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે ASGની વિનંતી ન સ્વીકારી
સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી કે મનીષ સિસોદિયાને દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રવેશતા અટકાવે. પરંતુ સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે ‘અમે આની મંજૂરી આપી શકીએ નહીં.’ નોંધનીય છે કે આ કેસમાં જસ્ટિસ બી.આર ગવઈ અને જસ્ટિસ કે.વી વિશ્વનાથની બેન્ચે 6 ઑગસ્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી.
સમગ્ર કેસ શું છે?
મનીષ સોસિદિયાની દિલ્હી લિકર પોલિસી 2021-22ની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપમાં 26મી ફેબ્રુઆરી 2023માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ધરપકડ કરી હતી. ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ સિસોદિયા પર ઘણા જુદા જુદા આરોપો હેઠળ કાર્યવાહી કરી હતી. સિસોદિયાએ 2023ની 28 ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ હતું. સિસોદિયાએ એમ કહીને જામીનની માંગણી કરી હતી કે તેઓ 17 મહિનાથી કસ્ટડીમાં છે અને તેમની સામેની સુનાવણી હજુ શરૂ થઈ નથી. ED અને CBIએ તેમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.