સુપ્રીમ કોર્ટે મંગળવારે (14મી મે) બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે અવમાનના કેસ પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. બંનેએ પતંજલિ દ્વારા ભ્રામક જાહેરાત મામલે કોર્ટમાં બિનશરતી માફી માંગી છે. અખબારોમાં જાહેર માફી પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. બાબા રામદેવ પતંજલિના પ્રમોટર છે, જ્યારે આચાર્ય બાલકૃષ્ણ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે આઈએમએના ચેરમેનની પણ ઝાટકણી કાઢી
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના ચેરમેન ડો. અશોકનની પણ ઝાટકણી કાઢી હતી. અશોકને એલોપેથી ડોક્ટરો વિશે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીની ટીકા કરી હતી. આજે તેમણે કોર્ટમાં માફી પત્ર સોંપ્યું હતું. જો કે, સુપ્રીમ કોર્ટે તેનો સ્વીકાર કર્યો ન હતો. નોંધનીય છે કે, ભ્રામક જાહેરાતોને લઈને પતંજલિ વિરુદ્ધની અરજી આઈએમએ દ્વારા જ દાખલ કરવામાં આવી હતી. આ પછી જ કોર્ટે પતંજિલને માફી માંગવાનો નિર્દેશ આપ્યો હતો.
- Advertisement -
સુપ્રીમ કોર્ટમાં આજની કાર્યવાહીમાં શું થયું?
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે પતંજલિ આયુર્વેદને પૂછ્યું કે, ‘જે દવાઓનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તે દવાઓનું વેચાણ રોકવા અને તેને બજારમાંથી પાછી ખેંચવા માટે તેમના દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે.’ કોર્ટે પતંજલિને આ અંગે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. પતંજલિ તરફથી જવાબ આપતા વકીલ બલબીર સિંહે કહ્યું કે, ‘અમે ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દીધું છે.’ જો કે, સુપ્રીમ કોર્ટે આ મામલે ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાએ કહ્યું કે, ‘લોકોને બાબા રામદેવ પર વિશ્વાસ છે. લોકો ખરેખર તેમને સાંભળે છે.’ જસ્ટિસ કોહલીએ રામદેવને કહ્યું કે, ‘યોગમાં તમારું અને તમારી ટીમનું મોટું યોગદાન છે. પરંતુ જો આપણે પતંજલિ ઉત્પાદનો વિશે વાત કરીએ તો તે અલગ બાબત છે.’
- Advertisement -
પતંજલિ પર કોણે કેસ કર્યો હતો?
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ ઓગસ્ટ 2022માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. પતંજલિએ એક જાહેરખબરમાં જણાવ્યું હતું કે, ‘એલોપેથી, ફાર્મા અને મેડિકલ ઈન્ડસ્ટ્રીથી પોતાને અને દેશને બચાવો.’ બાબા રામદેવે એલોપેથીને ‘મૂર્ખ અને નાદાર વિજ્ઞાન’ પણ ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, ‘એલોપેથીક દવા કોવિડ-19થી થનારા મોત માટે જવાબદાર છે.’ આ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને દાવો કર્યો કે ‘પતંજલિના કારણે પણ લોકો રસી લેતા ખચકાઈ રહ્યા છે.’