દેશમાં રાજકીય ટુલ કીટ જેવા બની ગયેલા બુલડોઝર
પોલિટિકસ સામે અંતે સર્વોચ્ચ અદાલતની લાલ આંખ
- Advertisement -
કોઇ એક વ્યક્તિની અપરાધમાં કથિત સંડોવણીથી સત્તાવાળાઓને તેની મિલ્કતનો ધ્વંશ કરવાનો અધિકાર મળતો નથી : ગુજરાતના કેસમાં સુપ્રીમે બુલડોઝર પર બ્રેક મારી : આ પ્રકારની પ્રવૃત્તિ કાનુન પર બુલડોઝર ચલાવવા જેવી ગણાશે
કુટુંબનો કોઇ વ્યકિત અપરાધ કરે તો સમગ્ર કુટુંબને સજા આપી શકાય નહીં : દેશમાં કાનુનનું શાસન છે, રાજય સરકાર પણ કાનુની કાર્યવાહીમાં સંવિધાન મુજબ જ ચાલી શકે : આકરી ટિપ્પણી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
દેશમાં બુલડોઝર પોલીટીકસ અંગે સર્જાયેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી રોકવા આદેશ આપતા કહ્યું કે, ફકત કોઇ અપરાધમાં સંડોવણી હોય તેના કારણે અપરાધી કે તેના કુટુંબની મિલ્કત પર બુલડોઝર ફેરવી શકાય નહીં, સર્વોચ્ચ અદાલતે આ પ્રકારની બુલડોઝર ચલાવવાની પ્રવૃત્તિને કાનુનને કચડવા જેવું ગણાવ્યું હતું અને આ પ્રકારના કોઇપણ કૃત્યને કાનુન વિરોધી ગણવામાં આવશે તેવી ચેતવણી પણ આપી હતી. સર્વોચ્ચ અદાલતે બુલડોઝર ચલાવવા સામે આ બીજી વખત આકરી ચેતવણી આપી છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ઋષીકેશ રોયના નેતૃત્વ હેઠળની ખંડપીઠે ગુજરાતમાં હાલ જે મિલ્કતો સામે બુલડોઝર ચલાવાઇ રહ્યું છે તેને રોકવા આદેશ આપીને યથાવત સ્થિતિ જાળવી રાખવામાં જણાવ્યું છે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કાનુન અપરાધી કે દોષિત કે પછી તેના કુટુંબીજનોના આશરા જેવી મિલ્કતને તોડવાની મંજૂરી આપતુ નથી.
- Advertisement -
આ પ્રકારે બુલડોઝર જસ્ટીસ સામે સુપ્રીમ કોર્ટે ભવિષ્યમાં કોઇ પ્રકારના બાંધકામ તોડવા હોય તો તેમાં એક માર્ગ રેખા બનાવવા અને તમામ રાજયો તેને અનુસરે તે માટે સંમતિ બતાવી હતી. સર્વોચ્ચ અદાલત સમક્ષ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં અપરાધીની મિલ્કત ઉપર બુલડોઝર ફેરવવાના કૃત્ય અંગે થયેલી રીટ અરજી અંગે આ આદેશ આપ્યો હતો.
રાજયમાં મહાનગરપાલિકા દ્વારા એક વ્યકિતની મિલ્કત ઉપર બુલડોઝર ફેરવી દેવાની સત્તાવાળાએ આપેલી ચેતવણી સંદર્ભમાં તેને સુપ્રીમ કોર્ટમાં કરેલી રીટ અરજી પર સુનાવણી કરતા સમયે જણાવ્યું હતું કે કુટુંબના એક વ્યકિત કોઇ અપરાધ કરે તો પણ સમગ્ર કુટુંબને તેની સજા આપી શકાય નહીં અને દેશમાં કાનુન એ સર્વોચ્ચ છે અને આ પ્રકારના કૃત્યને કાનુન ઉપર બુલડોઝર ચલાવવા જેવું ગણાશે.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, કાનુની રીતે બાંધકામ કરાયેલ મિલ્કતો સામેની આ પ્રકારની કાર્યવાહી રોકાવી જોઇએ. કોઇપણ વ્યકિતની કોઇ અપરાધમાં સંડોવણીથી તેની મિલ્કત પર બુલડોઝર ચલાવવાની કોઇ ભૂમિકા નથી અને સુપ્રીમ કોર્ટે આ અંગે ગુજરાત સરકાર અને મ્યુનિ. ઓથોરીટીને નોટીસ પાઠવી હતી. સર્વોચ્ચ અદાલત સમક્ષ અરજદારના ધારાશાસ્ત્રી ઇકબાલ સૈયદએ દસ્તાવેજો રજૂ કરીને એ જણાવ્યું હતું કે કોઇ પણ પ્રકારે ગેરકાનુની બાંધકામ થયુ નથી તેનો આ રેવન્યુ રેકર્ડ છે અને છેલ્લા બે દસકાથી કુટુંબ અહીં રહે છે.
ઉપરાંત તેને 2004માં ગ્રામ પંચાયતે જ રહેણાંક મકાન બનાવવાની મંજૂરી આપી હતી. જયારે આ કુટુંબના એક સભ્ય સામે ફોજદારી અપરાધ નોંધાતા જ તેના મિલ્કત પર બુલડોઝર ફેરવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
જેની સામે પણ તેઓએ સર્વોચ્ચ અદાલતમાં રજુઆત કરીને કોઇપણ કાર્યવાહી વગર અને પુરાવા વગર ધમકી આપવા સામે પણ સુપ્રીમની દાદ માંગી હતી. સર્વોચ્ચ અદાલતે હાલ કોઇ પણ પ્રકારે બુલડોઝર પ્રવૃત્તિને રોકવા આદેશ આપીને ચાર સપ્તાહ બાદ સુનાવણી રાખી છે.