દેશમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગો વધતા સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું
ફૂડ પેકેજિંગમાં મોટા ફેરફારો થઈ શકે છે. દેશમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગો (કાર્ડિયોવેસ્ક્યુલર રોગો) વધતા તેને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર ચેતવણી લેબલ ફરજિયાત બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ મુદ્દા પર નિષ્ણાત સમિતિ પાસેથી ત્રણ મહિનાની અંદર સૂચનો માંગ્યા છે જેથી ખાદ્ય સુરક્ષા નિયમોમાં જરૂરી ફેરફારો કરી શકાય.
- Advertisement -
જાહેર હિતની અરજી કરીને મામલો કોર્ટમાં લાવવામાં આવ્યો હતો
આ મામલો જાહેર હિતની અરજી દ્વારા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ‘3S અને અવર હેલ્થ સોસાયટી’ નામની સંસ્થા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. એડવોકેટ રાજીવ શંકર દ્વિવેદી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર FOPL એટલે કે ફ્રન્ટ-ઓફ-પેકેજ લેબલ સિસ્ટમ લાગુ કરે.
પોષક તત્વોની વિગતો આપવી પડશે
- Advertisement -
FOPL સિસ્ટમ હેઠળ, પેકેજ્ડ ખાદ્ય ઉત્પાદનોના આગળના ભાગમાં પોષણ સંબંધિત માહિતી સ્પષ્ટ અને સામાન્ય ભાષામાં આપવામાં આવશે. જેથી ગ્રાહક સમજી શકે કે ફૂડ પેકેટમાં કેટલું મીઠું, ખાંડ કે ફેટ હોય છે. જેથી તેઓ તેમના સ્વાસ્થ્ય અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરી શકે.
FSSAI અને કેન્દ્ર સરકારે જવાબો આપ્યા
સુનાવણી દરમિયાન, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ કહ્યું હતું કે, ‘FOPL સિસ્ટમ અંગે જનતા તરફથી લગભગ 14,000 સૂચનો મળ્યા હતા. આ સૂચનો પર વિચાર કરવા માટે એક નિષ્ણાત પેનલની રચના કરવામાં આવી છે. જે નિયમોમાં સુધારાની ભલામણ કરશે.’
ICMR એ પણ આપી હતી ચેતવણી
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન (NIN)ની નિષ્ણાત સમિતિએ સૂચન કર્યું છે કે પેક્ડ ફૂડ અને બેવરેજિસમાં ખાંડનું પ્રમાણ નક્કી કરવામાં આવે. વધારે ખાંડ, ફેટ અને મીઠું ધરાવતા ખોરાક ટાળવો જોઈએ. તેના નિયમિત સેવનથી ડાયાબિટીસ, હાયપરટેન્શન, હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે.
ICMR હેઠળ હૈદરાબાદ સ્થિત NINએ ભારતીયો માટે ડાઈટરી ગાઈડલાઈન્સ જારી કરી છે. NIN એ કહ્યું, ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના કડક ધોરણો છે, પરંતુ લેબલ પર આપવામાં આવેલી માહિતી ગેરમાર્ગે દોરનારી હોઈ શકે છે.’ ઉદાહરણ આપતા, NIN એ જણાવ્યું હતું કે જો ખાદ્ય ઉત્પાદનમાં કલર, ફ્લેવર અને આર્ટીફિશીયલ સબ્સટેન્સેસ ઉમેરવામાં ન આવે અને મીનીમલ પ્રોસેસ કરવામાં આવે તો તેને ‘નેચરલ’ કહી શકાય.
સુપ્રીમ કોર્ટે ત્રણ મહિનામાં રિપોર્ટ માંગ્યો
જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે હવે નિષ્ણાત સમિતિએ ત્રણ મહિનાની અંદર કેન્દ્ર સરકારને તેમની ભલામણો આપવાની રહેશે જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (લેબલિંગ અને ડિસ્પ્લે) રેગ્યુલેશન્સ 2020 માં જરૂરી સુધારા કરી શકાય. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઝડપથી વધી રહેલા અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે થતા રોગોનું મુખ્ય કારણ અનહેલ્ધી ફૂડ છે. જો લોકોને આવા ખોરાકમાં રહેલી વધારાની ખાંડ, મીઠું અને ફેટ વિશે અગાઉથી જાણ કરવામાં આવે તો તેઓ રોગોથી બચી શકે છે. FOPL આ દિશામાં એક મજબૂત પગલું બની શકે છે. જો નિષ્ણાત પેનલની ભલામણો સ્વીકારવામાં આવે, તો ભવિષ્યમાં પેકેજ્ડ ખોરાક પર સ્પષ્ટ ચેતવણી લેબલ જોવા મળી શકે છે. જેના કારણે ગ્રાહકો વધુ સતર્ક અને જાગૃત બનશે.