હકારાત્મક સુધારાઓ કરાવવાથી લઈ હિંદને સ્વતંત્રતા અપાવવામાં સુરતના પત્રોનું યશસ્વી યોગદાન
ગુજરાતી પત્રકારત્વના જનક ફરદુનજી મર્ઝબાન સુરતના છે, ગુજરાતી વૃત્તવિવેચન ક્ષેત્રના બીજા યુગનો પ્રારંભ કરનાર ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ સુરતના છે. સુધારવાદનો શંખનાદ ફૂંકનાર પત્રકાર નર્મદ – નર્મદાશંકર લાભશંકર દવે અને બેજનજી કોટવાલ સુરતના છે. દેશી રજવાડાઓના પ્રશ્નોની સૌપ્રથમ નીડર ચર્ચા કરનાર પત્રકાર દિનશાહ અરદેશર તાલિયારખાન સુરતના છે. ગુજરાતી પત્રકારત્વનો ઊંડાણપૂર્વકનો ઈતિહાસ લખનાર રતન માર્શલ પણ સુરતના જ છે. ઘણીખરી બાબતોમાં સુરત અને સુરતીઓ અગ્રેસર રહ્યા છે. અંગ્રેજોએ ઈંડિયામાં વેપાર કરવા માટેની સૌપ્રથમ કોઠી સુરતના બંદરે નાખી હતી. ચાની જેમ છાપકામની શરૂઆત કરવાનો પહેલોવેહેલો પ્રયાસ સુરતે કર્યો હતો અને આ પ્રયાસ કરનાર હતા, ભીમજી પારેખ. જેણે લંડનના પ્રિન્ટિંગ ટેકનોલોજીસ્ટ હેન્રી હીલ્સને 1672માં સુરત બોલાવ્યો હતો. એ સુરત આવ્યો પણ ખરો અને ગુજરાતી અક્ષરો કોતર્યા પણ ખરા પરંતુ કોઈ કારણોસર તે અધૂરું કામ મૂકી ફરી લંડન જતો રહ્યો હતો. આ ઘટનાથી ભારતમાં મુદ્રણાલયના મૂળિયાં રોપનાર તરીકે ભીમજી પારેખનું નામ ઈતિહાસમાં કોતરાઈ ગયું છે.
- Advertisement -
સુરતના ભીમજી પારેખ બાદ પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપવાનો પ્રયાસ કરનાર પણ એક સુરતી જ હતા. ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ અખબાર મુંબઈ સમાચારના સ્થાપક પારસી બાવા ફરદુનજી મર્ઝબાન સુરતમાં જન્મ્યા અને ઉછર્યા હતા. 1800માં તેઓ મુંબઈ ગયા અને બોમ્બે કુરિયર નામના અખબારમાં કંપોઝીટર (બીબાં ગોઠવનાર) અને પ્રિન્ટર તરીકે કામ કરતા બહેરામજી જીજીભાઈ છાપગરના સંપર્કમાં આવ્યા હતા. જોગાનુજોગ બહેરામજી છાપગર પણ સુરતમાં જ જન્મ્યા અને ઉછર્યા હતા. તેઓ 1790ના દસકમાં મુંબઈ જઈને બોમ્બે કુરિયરમાં જોડાયા હતા. 1790ના અંતિમ દસકમાં તેઓએ નાની સંખ્યામાં જરૂરિયાત પૂરતા ગુજરાતી બીબાં બનાવ્યા હતા. બોમ્બે કુરિયર અંગ્રેજી છાપું હોવા છતાં તેમાં કેટલીક જાહેરાતો ગુજરાતીમાં છપાતી હતી, તેના કંપોઝર બહેરામજી છાપગર હતા. આ ગુજરાતી જાહેરખબરો પરથી ફરદુનજી મર્ઝબાને ગુજરાતી બીબાં બનાવી ગુજરાતી પ્રેસ સ્થાપવાનો વિચાર કર્યો હતો અને તેમનો વિચાર વાસ્તવિક બન્યા બાદ ગુજરાતી બીબાંની શોધ તથા ગુજરાતી પ્રેસના પ્રારંભ પછી શું થયું તેનાથી તો ઘણા પરિચિત છે જ.
મુંબઈની જેમ સુરતમાં સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપનાર લંડન મિશનરી સોસાયટીના ધર્મગુરુ વિલિયમ કાઈબી તેમજ સુરતના લુહારો જીવણ લુહાર અને કાળુ લુહાર હતા. જીવણ લુહાર અને કાળુ લુહારે 1835માં સ્થાપેલા છાપખાના બાદ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ સુરતમાં દેશીમિત્ર નામના છાપખાનામાં બીબાં ગોઠવવાનું શીખ્યા હતા. તેઓ 1876માં મુંબઈમાં આર્યમિત્ર સાપ્તાહિક ચારેક મહિના ચલાવ્યા પછી મુંબઈ સમાચારમાં પ્રૂફરીડર તરીકે જોડાયા હતા, મુંબઈથી સુરત પરત આવી 1878માં સ્વતંત્રતા નામનું માસિક શરૂ કર્યું. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ સુરતથી ફરી મુંબઈ જઈ પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપીને 1880માં ગુજરાતી નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ દ્વારા 1672માં ભીમજી પારેખે પ્રિન્ટીંગ પ્રેસ શરૂ કરવાના પ્રયાસથી લઈ 1907માં સુરતમાંથી શક્તિ નામનું અખબાર શરૂ થયું ત્યાં સુધીની તમામ ઘટનાઓ 1912માં ગુજરાતીના દિવાળી અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને તેનું શીર્ષક ગુજરાતી મુદ્રણની શતવર્ષી રાખવામાં આવ્યું હતું. એક નવાઈની અને નોંધનીય વાત એ હતી કે, કીકાભાઈ અને મંછારામભાઈ નામના સુરતીઓએ 1873માં દેશીમિત્ર નામના સાપ્તાહિકની શરૂઆત કરી હતી. એકમાત્ર સુરતમાંથી દેશીમિત્ર નામનું રમુજી વર્તમાનપત્ર શરૂ થયું હતું. તેમાં આવતી અશ્લીલતાભરી મજાકો અને દ્રિઅર્થી જોડકણાં સુરતીઓને ગમતા હતા. છાનેખૂણે દેશીમિત્ર ખૂબ વંચાતું હતું. સુરતી પ્રિય આ પત્ર લાબું ચાલી શક્યું નહતું.
આજથી સો-દોઢ સો વર્ષ અગાઉ સમાજમાં જે રૂઢિઓ અને પરંપરાઓ ઘર કરી ગઈ હતી તેમાંથી સમાજને બહાર કાઢવો એ સમયના પત્રોનો મુખ્ય ઉદ્દેશ હતો. સમાજને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવામાં અન્ય શહેરોના પત્રોની જેમ સુરતના પત્રોનું પણ યોગદાન નાનુંસૂનું નથી. તાપીના તટ પરથી નર્મદે ડાંડિયો દ્વારા અંધશ્રદ્ધા નાબૂદીનો નારો લગાવ્યો હતો તો સ્વતંત્રતામાં ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ આઝાદી, સ્વરાજ અને મુક્તિનો મંત્ર જગાવ્યો હતો. દીનશા અરદેશર તાલિયારખાને ગુજરાતમિત્રના માધ્યમથી લોકશાહી અને લોકતંત્રનો અવાજ બુલંદ કર્યો હતો. હકારાત્મક સુધારાઓ કરાવવાથી લઈ હિંદને સ્વતંત્રતા અપાવવામાં સુરતના પત્રો આગળ પડતા રહ્યા હતા. ગુજરાતી પત્રકારત્વની પ્રથમ સદીમાં સુરતમાંથી બહાર પડેલા પત્રો સ્થાનિક સુધરાઈના પ્રશ્નોથી લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોને પણ પ્રાધાન્ય આપતા હતા, સુરતના સમાચારપત્રો મુંબઈ સુધી જતા હતા અને ઉત્તરગુજરાતમાં સારો એવો ફેલાવો પણ ધરાવતા હતા. છેલ્લા દોઢ દસકમાં ગુજરાતી પત્રકારત્વની અંદર બેબાક લખાણો અને તટસ્થ અભિપ્રાયો માટે સુરતના અખબારો જાણીતા બની ગયા છે. સુરતના સ્થાનિક પત્રો ઉપરાંત પત્રકારોએ પણ પત્રકારત્વના ક્ષેત્રમાં સારું એવું કાઠું કાઢ્યું છે.
- Advertisement -
ગુજરાતી પત્રકારત્વની પ્રથમ સદીમાં સુરતમાંથી 1856માં જ્ઞાનદીપક, 1860માં મનોદય, 1863માં સુરત મિત્ર, 1864માં ગુજરાત મિત્ર, 1864માં ડાંડિયો, 1869માં વિદ્યા વિલાસ, 1870માં ગુજરાત નીતિ પ્રકાશ, 1873માં દેશીમિત્ર, 1878માં સ્વતંત્રતા, 1888માં ગુજરાત દર્પણ અને 1921માં વિનોદ નામના પ્રમુખ પત્રો પ્રસિદ્ધ થયા હતા. સુરતમાંથી સુરત સમાચાર નામથી એક અર્ધ સાપ્તાહિક શરૂ થયું હતું, 1862થી 1864 સુધી ડાહ્યાભાઈ મંછા દ્વારા સંપાદિત એક પાનાંનું દૈનિક સુરત સોદાગર બહાર પડતું હતું. 1864માં સુરત વર્તમાન દર્પણ નામનું સાપ્તાહિક ગોરધનદાસ કૃપારામ દ્વારા પ્રકાશિત કરવામાં આવતું હતું. ખ્રિસ્તિ ધર્મ મંડળ તરફથી નીકળતા સત્યોદય સહિતના ઘણાં અખબારો અને સામયિકો સુરતમાંથી બહાર પડતા હતા. આ બધા પત્રો લાંબા ચાલ્યા નહતા, અલ્પજીવી હતા. સુરતના પત્રકારત્વના શરૂના સમયગાળામાં આ અખબારો અને સામયિકોએ પાયાનું કાર્ય કર્યું હતું, તે સમયના સમાજસુધારાના પ્રવાહને આગળ ધપાવવાના કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ બધા અખબારો અને સામયિકો વચ્ચે આજ સુધીમાં સુરતના જમણ જેવું જાણીતું બની ગયેલું છાપું એટલે ગુજરાતમિત્ર. 1822માં મુંબઈ સમાચાર શરૂ થયું, 1863માં ગુજરાતમિત્રનું પુરોગામી સુરતમિત્ર પ્રસિદ્ધ થયું. આ રીતે ગુજરાતી ભાષામાં મુંબઈ સમાચાર બાદ ગુજરાતમિત્ર જૂનું અખબાર છે જે આજે પણ પ્રસિદ્ધ થાય છે. તળ ગુજરાતના સૌથી પુરાણા પત્ર ગુજરાતમિત્રની વિગતે વાત હવે પછી..
વધારો : મુંબઈથી જમીની માર્ગે અને દરિયાઈ માર્ગે નજીક હોવાના કારણે તેમજ દુનિયાના દેશો સાથે દરિયાઈ માર્ગે પણ જોડાયેલા હોવાના લીધે સુરતના પત્રકારત્વમાં દેશ-વિદેશના પત્રકારત્વની અસર જોઈ શકાય છે. સુરતમાં પત્રકારત્વની શરૂઆતથી જ રાજકીય અને સામાજિક ચેતના પણ ઝડપથી પ્રગટી ગઈ હતી. સુરતીઓ અંગ્રેજ સરકાર સામે સત્યાગ્રહો કરવામાં અને હિંસક બંડો પોકારવામાં આવળ પડતા હતા તો તેનાથી પણ આગળ પડતા સુરતના પત્રો હતા જેણે નિષ્પક્ષતાથી સુધારવાદ માટેનું અને નિર્ભયતાથી સ્વતંત્રતા મેળવવાનું પત્રકારત્વ કરી બતાવ્યું હતું. સુરતના પત્રો અને પત્રકારો ગુજરાતી પત્રકારત્વમાં શિરમોર રહ્યા છે.