મનુસ્મૃતિના શ્ર્લોક સાથે જજે કહ્યું- ‘દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ’
ગ્રીષ્માને ન્યાય મળ્યાની લાગણી સાથે તેનાં પરિવારજનો કોર્ટરૂ મમાં જ રડી પડ્યાં
- Advertisement -
પરિવારને આપેલો વાયદો પૂર્ણ કરીને સંતોષ અનુભવું છું : હર્ષ સંઘવી
ફેનિલનાં ચહેરાં પર ન ડર દેખાયો ન અફસોસ, બન્ને પક્ષના વકીલો હાજર રહ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આજે ચુકાદા પહેલા કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર કે અફસોસ દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા. મનુસ્મૃતિના શ્ર્લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજ વિમલ કે. વ્યાસે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે. નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં યુવા પેઢીને પણ એક સંદેશો આપતા કહ્યું કે, આજની પેઢી મોબાઇલમાં રચી પચી રહે છે અને હિંસક વેબ સિરીઝ જુએ છે. જજે કહ્યું હતું કે યુવાનો આજે સતત વેબ સિરીઝ સતત જોતા રહે છે, જેના કારણે તેમની માનસિકતા ઉપર ખૂબ મોટી અસર થાય છે. વેબ સિરીઝમાં સતત અમર્યાદિત હિંસક અને બિભત્સ મૂવી ચાલતી રહે છે. યુવાનોએ પોતાનો સમય સર્જનાત્મકતા તરફ આપવો જોઈએ નહીં કે આવી પ્રવૃત્તિઓ પાછળ કે જે માનસિક રીતે નકારાત્મક વિચારો તરફ લઈ જાય.
જજે બે વખત નિર્ભયા કેસનો ઉલ્લેખ કર્યો
જજે બે વખત નિર્ભયા હત્યા કેસનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું કે નિર્ભયા હત્યા કેસમાં પણ આરોપીની ઉંમર ખૂબ ઓછી હતી, છતાં પણ તેમાં ક્રૂર માનસિકતા સામે આવી હતી. બચાવ પક્ષના વકીલ દ્વારા વારંવાર આરોપી ફેનીલ લઈને લઈને દલીલ કરવામાં આવી હતી.
હત્યાના પ્રયાસના કેસમાં પણ સજા: સરકારી વકીલ
સરકાર પક્ષના વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કોર્ટે ફેનિલ ગોયાણીને સજા સંભળાવી છે. ફેનિલને મૃત્યુદંડની સજા કરી છે. બેને મારી નાખવાના પ્રયાસના કેસમાં પણ સજા ફટકારી છે. ભોગ બનનારને વળતર મળે એવી પણ પ્રક્રિયા કરી છે.
પુરાવારૂપે વિડીયોએ સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો
સુરત કોર્ટનાં સત્ર ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલાં ગ્રીષ્મા હત્યા કેસમાં પુરાવારૂપે વિડીયોએ સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગ્રીષ્માની હત્યા સમયનો જે વિડીયો જોઇને લોકો કહેતાં હતા કે કોઈ બચાવવા કેમ ન આવ્યું, એ વીડિયો જ આરોપી ફેનિલ ગોયાણી માટે ફાંસીનાં ગાળિયારૂપ સાબિત થઈ ગયો છે.
મારી દીકરી ગ્રીષ્માને ન્યાય મળ્યો: પિતાનો વલોપાત
આજરોજ ગ્રીષ્મા મર્ડર કેસની સુનાવણી દરમિયાન જજે આરોપી ફેનિલને મૃત્યુદંડની સજા ફરમાવતાં ત્યાં ઉપસ્થિત ગ્રીષ્માનો પરિવાર રડી પડ્યો હતો અને ગ્રીષ્માના પિતાએ જણાવ્યું હતું કે ગ્રીષ્માને આજે ન્યાય મળ્યો છે. અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. અમને ન્યાયપ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને મદદ કરનારા તમામ નેતાઓનો આભાર.



