પુત્રની ફી ભરવા વ્યાજે રૂપિયા લીધા હતાં
મોરબી અને નાગડાવાસના બે વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે અલ્ટો વેંચી નાખી, ટ્રેક્ટર પણ પડાવી લીધું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
માળીયા તાલુકાના સુલતાનપુર ગામના ખેડૂતે પોતાના પુત્રની ફી ભરવા તેમજ બિયારણ માટે વ્યાજે લીધેલા નાણાં અનેક ગણા ચૂકવવા છતાં નાગડાવાસ અને મોરબીના બે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી અલ્ટો કાર વેચાવી નાખી ટ્રેકટર પડાવી લેતા અંતે બન્ને વ્યાજંકવાદીઓ વિરુદ્ધ માળીયા પોલીસમાં ખેડૂતે ફરિયાદ કરી છે.
માળીયા તાલુકાના સુલતાનપુર (વિશાલનગર) ગામે રહેતા અને ખેતી કરતા ભુપતભાઇ ભગવાનજીભાઇ દશાડીયાએ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે દોઢેક વર્ષ પહેલા તેમના પુત્રની ધોરણ 11 અને 12 સાયન્સની ફી ભરવા તેમજ બિયારણ માટે નાણાંની જરૂરિયાત ઉભી થતા તેમના મોરબી રહેતા ભાઈ મારફતે નાગડાવાસ ગામના અમુભાઇ પ્રભાતભાઇ રાઠોડ પાસેથી રૂપિયા 2,50,000 મહિને પાંચ ટકા લેખે અને મોરબીના દેવીસીંહ પ્રતાપસિંહ ગઢવી પાસેથી રૂ. 1,50,000 મહિને ત્રણ ટકા વ્યાજે લીધા હતા ત્યારબાદ ધિરધાર લાયસન્સ વગર નાણા આપનાર અમુભાઇ પ્રભાતભાઇ રાઠોડે પોતાને તાત્કાલિક પૈસાની જરૂર હોય નાણાં પરત આપવા દબાણ કરતા ભૂપતભાઈએ અલ્ટો કાર વેચી નાણાં આપ્યા હતા જ્યારે દેવીસિંહ ગઢવીએ પહેલા ત્રણ ટકા વ્યાજે નાણા આપ્યા બાદ હવે પાંચ ટકા વ્યાજ આપવું પડશે તેમ કહી ટ્રેકટર પડાવી લઈ ટ્રેકટરના કાગળિયા પણ લઈ જઈ બાદમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી ધમકી આપતા અંતે ભૂપતભાઈએ બંને વ્યાજખોર વિરુદ્ધ માળીયા મિંયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.