ખેતશ્રમિકોનાં આત્યંન્તિક શોષણની શરમકથા ભાગ-3
હિમાદ્રી આચાર્ય દવે
- Advertisement -
થોડા દિવસ પહેલા બીડના ખેતમજૂરોના શોષણની સિલસીલાબંધ વિગતો બે લેખમાં રજુ કરી હતી. એ લેખમાળાનો આ અંતિમ લેખ છે. આગળની વિગતો યાદ કરાવી દઉં કે,
ઉત્તર કર્ણાટક, મહારાષ્ટ્રનાં સાંગલી, સતારા તેમજ મરાઠવાડા રિજનના બીડનાં અમુક વિસ્તારમાં મોટા પાયે શેરડીની ખેતી થાય છે. મરાઠવાડા એટલે દુષ્કાળનો દેશ. અહીંની જમીન સૂકી અને પથરીલી છે. અહીં કુવાઓ છે, પણ પાણી નથી. ખેતરો છે, પણ ખેડૂતો નથી. ખડકાળ જમીન અને કાંટાવાળા વૃક્ષોથી ઘેરાયેલા, બીડમાં એકમાત્ર રસદાર વસ્તુ શેરડી છે. કારમી ગરીબીમાં જીવતાં અહીંના લોકો માટે અહીં શેરડીની ખેતી સીવાય અન્ય પાકની ખેતી કે અન્ય વ્યવસાય પણ ઉપલબ્ધ નથી. ભારતના ‘સુગર બાઉલ’ તરીકે ઓળખાતા આ પ્રદેશમાં આવેલી અનેક સુગર ફેક્ટરીસ તેમજ મોટા મોટા જમીનદારો પોતાની અથવા જમીન લિઝ પર લઈને મોટાપાયે શેરડીનું ઉત્પાદન કરે છે. આ જમીનદારો તેમજ સુગર ફેકટરી માટે કામ કરતા કોન્ટ્રાકટરો દર વર્ષે નવેમ્બરથી એપ્રિલ સુધી બીડ પટ્ટાના સસ્તા શ્રમિકોને કામ પર રાખે છે. તેઓએ શેરડી કાપવા, ગાંસડીઓ બાંધવી, ઉપાડવા અને પ્રોસેસિંગ માટે ફેક્ટરીઓમાં લઈ જવા માટે ટ્રકમાં લોડ કરવાનું કામ કરવાનું હોય છે. આમ, મરાઠવાડાનાં અતિગરીબ જિલ્લા બીડમાં શેરડીના ખેતરોમાં કામ માટે આવેલા પ્રવાસી શ્રમિક અને નાના સીમાંત ખેડૂતો જિલ્લાના નિવાસી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ જિલ્લાના કેટલા ગામડાઓમાં અનેક સ્ત્રીઓ એવી છે કે જેમને ગર્ભાશય જ નથી! દર વર્ષે અહીંની સેંકડો સ્ત્રી બહુ નાની ઉંમરે યુટ્ર્સ રિમુવલ સર્જરી કરાવી નાંખે છે. બીડ જિલ્લાનાં અનેક ગામડાઓ *‘કુખ વગરની સ્ત્રીઓનાં ગામ’ તરીકે ઓળખાય છે.*(ગર્ભાશય કઢાવવા પાછળ મજૂરી કરી શકે એ લાચારી અને જમીનદારોના કોન્ટ્રાકટરોનું શોષણ છે જેની વાત અગાઉના લેખમાં વિસ્તારપૂર્વક કરી હતી.)
આ વિસ્તારમાં પ્રવેશતાની સાથે જ તેની સુગંધઅને મીઠાશ મષ્તિકમાં અનુભવાવા લાગે છે પણ ઉપર ઉપરથી જે મદિર મધુર દેખાઈ રહ્યું છે તે ચિત્ર અંદરથી પણ એવું જ સુંદર નથી. શેરડીમાંથી બનતા ઉત્પાદનો જે આપણી સ્વાદગ્રંથીને મધુરસથી તૃપ્ત કરે છે, આ મીઠાશની અહીંની મહિલાઓએ બહુ મોટી, બહુ કડવી કિંમત ચૂકવવી પડે છે! એવી જ અમુક મહિલાઓ શું કહે છે એ તેમના શબ્દોમાં….
- Advertisement -
મરાઠી મિશ્રિત હિન્દીમાં અટકી અટકીને પોતાની વાત કહેતી મહાનંદા મહારાષ્ટ્રના બીડ જિલ્લાની છે.
તેણીના લગ્ન થયા ત્યારે માત્ર ચૌદ વર્ષની હતી. તેણી કહે છે કે, જે ઉંમરે છોકરીઓ ઢીંગલી સાથે રમે છે એ ઉંમરે તેણે ઘર સંભાળવાનું શરૂ કર્યું. જમીનના નાનકડાં ટુકડા પર ખેતી કરવી અને દરેક માટે ભાત-ભાખરી (રોટલી) બનાવવી. જોકે તે તો તોય સહેલું હતું, ખરી મુશ્કેલી ત્યારે આવી જ્યારે તેને ખેતરોમાં કામ કરવા બીડજવું પડ્યું. લગ્ન બાદ પતિ સાથે શેરડી કાપવા દક્ષિણમાં(તેના ગામથી દક્ષિણમાં આવેલું બીડ)આવી વસવું પડ્યું ખાલી ખેતરમાં ઝાંખરાની ઝૂંપડી! દરવાજાને બદલે સાડીનો પડદો. રેઢું પડ ભાળીને કોન્ટ્રાક્ટર મરજી પડે ત્યારે આવીને મારા દેહને ચૂંથી જતો. લગભગ બધી મહિલાઓ કોન્ટ્રાક્ટરો કે તેના માણસોનો ભોગ બનતી રહેતી પરંતુ અમે મજબુર, કંઈ કરી શકીએ એમ નહોતા.અરે, મોટેથી રડી પણ ન શકીએ! અહીં મોટા ભાગે જોડીમાં જ કામ મળે એટલે કે પતિ-પત્નીને સાથે કામ પર લાગવું પડે. પતિ શેરડી કાપે, હું બંડલ બનાવીને ટ્રકમાં મુકું. એક સાથે માથા પર ત્રીસ-ત્રીસ કિલોની શેરડીની ગાંસડી લઈને ચાલવાનું. તેને લઈને હવામાં ઝૂલતી કાચી સીડી પર ચડી શેરડીને ટ્રક પર ચઢાવવી પડે! હું રડી પડતી. આઠ મહિનાના પેટ સાથે દરરોજ 3000 કિલો શેરડી ટ્રક પર ચઢાવવી પડતી. લાકડાની ડગુમગુ કાચી સીડી પર ચડતી વખતે પગ કરતાંય વધુ હૃદય ધ્રુજી ઉઠતું.
સખત મહેનતનું કામ જાણે પરસેવાની બદલે લોહી વહે! કરી માસિકમાં રક્તસ્ત્રાવ વધી જાય બોજ વહન કરતા કરતા માસિકનું કપડું ભીનું થઈ જાય, પણ એ પારકા ગામડાઓમાં ન તો સેનેટરી પેડ ઉપલબ્ધ હોય, ન તો અમારી પાસે પૈસા કે ન આસપાસના ગામની દુકાને અમારી પાસે આ બધું ખરીદવા જવાનો સમય!
શેરડીની ગાસડીઓ વેંઢારતાં વેંઢારતા એક પછી એક ત્રણ બાળકોનો જન્મ થયો. આવા સમયે જ્યારે સ્ત્રી બરાબર ચાલી પણ ન શકતી હોય ત્યારે હું નવમાં મહિના સુધી બોજ વેંઢારતી રહેતી. મને સીડી ચડતી વખતે ચક્કર આવતાં હોય. એમ લાગે કે પડ્યા કે પડશું! છતાં ખબર હતી કે હું પડું કે ગર્ભનું બાળક પડી જાય તો પણ કામ તો કરવું જ પડશે! ગર્ભાવસ્થામાં ચટપટું ખાટુ ખાવાનું મન થાય પણ ભાત-ભાકરી ખાઈને સૂઈ જવાનું! વજન ઉપાડી ઉપાડીને ગર્દનમાં ગાંઠ થઈ ગઈ. ઓપરેશન થયું, પણ આરામ નહીં! વળી માસિક સ્ત્રાવ એટલો વધ્યો કે ડોક્ટરે ગર્ભાશય કાઢી નાંખવા કહ્યું.
અને મને થયું કે હવે બધી ઝંઝટનો અંત આવી ગયો! 30 વર્ષની ઉંમરે ગર્ભાશય કઢાવી નાખ્યું. હવે ન માસિકનો ન પ્રેગ્નન્સીનો(કોન્ટ્રાક્ટર) ડર! પણ બબ્બે ઓપરેશન અને સાથોસાથ રોજની મજૂરી તો ખરી જ, તેના કારણે હવે પીઠમાં અને હાથ-પગ અસહ્ય દુખાવો થાય છે. ઉંઘ ન આવે, પરસેવા છૂટી જાય, બસ જોર જોરથી રડવાનું મન થાય!
મહાનંદાની વાત સાંભળીને વિચાર આવે કે સૂકા અણીદાર પાંદડા પગને ડંખ મારતા હોય જાણે જંતુઓ કરડતા હોય. તેના પર ચાલીએ પગમાં ઉઝરડા પડી જાય ઉપરથી ધોમધખતા તડકામાં બાર-બાર કલાક સુધી શેરડી ઉહેડવી, વજનદાર ભારા ઉપાડવા, ટ્રકમાં ચડાવવા.. બધું કેટલું કષ્ટદાયક કેટલી યાતના વાળું હશે!
અચ્છા, તને બીજું શું ગમે? મહાનંદા જવાબ આપે છે, ગીત! નાનપણમાં રોજ ખૂબ ગાતી, ઘણો શોખ હતો. જો હું ભણી હોતે તો આ મજૂરી ન કરવી પડતે અને તો હું ગાવાનું પણ શીખી હોતે! પરંતુ લગ્ને બધું બદલી નાખ્યું. ગાવાનું કહેતા તેણી મરાઠીમાં કંઇક ગણગણી છે, જેનો અર્થ છે, આ ખુલ્લા આકાશ નીચે આપણે બધા સમાન છીએ. ન તો જાતિ અલગ છે, ન રંગ અલગ છે. આપણે બધા ભગવાનના બાળકો છીએ, આપણે બધા સમાન છીએ!
29 વર્ષની લતા દત્તાત્રેય, 13 વર્ષની ઉંમરે લગ્ન. તેણી કહે છે કે, લગ્ન બાદ પતિ સાથે શેરડીનાં ખેતરમાં મજૂરી કરવા લાગી ગઈ. ત્યાં ટાટની ઝૂંપડીમાં રહેવાનું જે પવન આવે કે તરત ઊડુ ઊડુ થઈ જતી. રાત્રીના સુતા હોઈએ તો સલામતી નહીં! બીકમાં ને બીકમાં ઊંઘ ન આવે. ન બોલીની સમજ હતી, ન તો આ કામ આવડતું. શેરડી તો બસ ખાધી હતી, પણ ક્યારેય ચૂંટી નહોતી. શેરડીના ભારા એકઠાં કરવાં, ગાંસડીઓ માથે ઉપાડવાની, એમાં વારંવાર પડી જતી, ઊઠીને ફરી કામ કરતી. ટ્રકમાં 3 હજાર કિલોનું ગાસડીઓ લોડ ન થઈ હોય તો મજૂરીના પૈસા કાપી લેવામાં આવતા. સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કામ કરવાનાં એક માણસ 200 રૂપિયા મળે અને એક જોડી માટે 400! તે પણ તો જ મળે જો ટ્રક છલોછલ ટ્રક કાંઠા સુધી ભરાઇ હોય.
આ બધું તો તોય સહન કરી લઈએ પરંતુ કોન્ટ્રાક્ટરની ગેરવર્તણૂક અમને વધુ રડાવે છે. કોન્ટ્રાકટર અને તેના માણસો અમારી છેડછાડ કરે, બળાત્કાર કરે પણ અમે કઈ ન બોલી શકીએ. હું ગર્ભવતી હતી. સાતમો મહિનો હતો અનેહું મારે ગામ પાછા ફરવા માંગતી હતી. પતિએ કોન્ટ્રાક્ટર સાથે વાત કરી તો તેણે મનાઈ ફરમાવી દીધી. કહ્યું કે પહેલા કામ કરો, પછી જ જવા મળશે. પતિએ જેટલી વધુ વિનંતી કરી કોન્ટ્રાકટર અનાપશનાપ બોલતો રહ્યો પતિને માર્યો અને મને પણ મારી. અમે કંઈ જ કરી શક્યા નહીં. ત્યાં જ રહેવું પડ્યું. અને પાછા આવ્યા હોત તો પણ ફરી અહીં આવવું જ પડતે? ત્યાં ગામમાં શું ખાતે? ગામમાં ન તો ખેતર છે કે ન તો કારખાનાં!.તે અમને સ્ત્રીઓની છેડછાડ કરે ઈજ્જત લૂંટે, તો પણ અમે ચૂપ રહેતા. કહીએ તો મોટા માણસો અમારા પર ચોરીનું આળ નાંખી દે! એટલે ચુપચાપ રડી લઇએ. બૂમો ક્યાં પાડી શકીએ? પેટનો ડર મોં સીવી લે છે!
હસતાં હસતાં જ લતા પોતાના દર્દની આખી દાસ્તાન સંભળાવે છે! પારકી ધરતી પર કોન્ટ્રાક્ટરો દ્વારા છેડતીની વાત લગભગ દરેકે પુનરાવર્તિત કરી, પરંતુ એકદમ દબાયેલાં સ્વરમાં! આ અંગે સામાજિક કાર્યકર મનીષા સીતારામ ઘુલે કહે છે- આવું થતું જ હોય છે. શેરડીનાં ખેતરમાં કામ કરતી ઘણી સ્ત્રીઓ ઘણી વખત બળાત્કારનો ભોગ બને છે, પરંતુ તેઓ તેમના પતિને પણ કહી શકતી નથી. તેઓને રોજીની સાથે સાથે એ પણ ડર હોય છે કે પતિ તેને જ દોષ દેશે!
બીડ જિલ્લાના અમુક ગામડામાં શેરડીના ખેતમાં કામ કરતી ઘણી મહિલાઓની આ જ દર્દભરી વાર્તા છે. પણ મહિલાઓ ચૂપ રહે છે! ગર્ભાશય કઢાવી નાખવાનું આ એક મોટું કારણ છે. બાળક રહેવાનો ડર ખતમ થઈ જાય છે. પીરિયડ્સની પરેશાની દૂર થાય છે. એ અલગ વાત છે કે આ નિરાંત(!) પછી એક નવા દર્દની શરુઆત થાય છે – ઉંમર પહેલાં જ ઉંમર વીતી જવાનો ડર!
જેમ કે મહાનંદા કહે છે- ’મારા વાળ કાળા છે. દાંત બધાં યથાવત છે. હું દરેકને જુવાન દેખાઉં છું, પણ મારી પોતાની નજરમાં હું વૃદ્ધ છું. હું કામ કરતી વખતે થાકી જાઉં છું. હવે મારે આરામ જોઈએ છે.’ આ કહેતી વખતે તેનો અવાજ સુકાઈ જાય છે, ગળે ડૂમો બાઝી જતાં શબ્દો નથી નીકળતાં. બીડની કઠણ જમીને જાણે કે આ સ્ત્રીની અંદરનો બધો જ રસ શોષીને શેરડીમાં ભરી લીધો છે!
(પૂરક માહિતી:ન્યૂઝ સોર્સ)