ખેડૂતોએ 100થી વધુ ટ્રેક્ટર સળગાવી દીધા
ખેડૂતોએ શેરડી ટન દીઠ ભાવ ₹3300ની માંગ કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
કર્ણાટકના બાગલકોટમાં, શેરડીના ભાવમાં વધારાની માંગણી સાથે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું છે. રબકવી-બનહટ્ટીમાં ગોદાવરી સુગર ફેક્ટરીમાં શેરડી ભરેલા 100થી વધુ ટ્રેક્ટરને આગ ચાંપી દેવામાં આવી.
એસપી સિદ્ધાર્થ ગોયલે જણાવ્યું હતું કે ખેડૂતોએ પથ્થરમારો પણ કર્યો હતો, જેમાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. તેમણે પોતે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
રાજ્યની ખાંડ મિલો પાસેથી ખેડૂતો શેરડી માટે પ્રતિ ટન ₹3500ની માંગ કરી રહ્યા છે. જ્યારે ખાંડ મિલ માલિકોએ પ્રતિ ટન ₹3300નો ભાવ આપ્યો છે, ત્યારે ખેડૂતો આ ભાવ સ્વીકારવા તૈયાર નથી.
ખેડૂત નેતા સુભાષ શિરાબુરે જણાવ્યું હતું કે ખેડૂતોએ આગ લગાવી ન હતી. તેમના મતે, ફેક્ટરી સાથે સંકળાયેલા લોકો પોલીસની સામે જ આગ લગાવી રહ્યા હતા.
“અમારા લોકો અને કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા,” તેમણે કહ્યું. “પોલીસ વાહન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.” તેમણે આરોપ લગાવ્યો હતો કે ખેડૂતોને બદનામ કરવા માટે ફેક્ટરીની અંદર આગ લગાવવામાં આવી હતી.
આ ઘટના બાદ, બાગલકોટના ડેપ્યુટી કમિશનરે ઇગજજ-2023ની કલમ 163 હેઠળ આદેશો જારી કર્યા, જેમાં 13 નવેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાથી 16 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યા સુધી જામખંડી, મુધોલ અને રબકવી-બનહટ્ટી તાલુકાઓમાં દેખાવો, હડતાળ અને કોઈપણ ભીડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
હાલમાં, શેરડીના ખેડૂતો અને સરકાર વચ્ચે ભાવને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મુધોલના ખેડૂતો પ્રતિ ટન ₹3,500ની માંગણી પર મક્કમ છે, જ્યારે ગયા અઠવાડિયે બેલગાવીના ખેડૂતો ₹3,300 માટે સંમત થયા હતા. આ મુદ્દાનો વિરોધ કરવા માટે ખેડૂતો ટ્રેક્ટર, બળદગાડા અને ઓટો-રિક્ષા લઈને મોટી રેલી યોજી રસ્તા પર ઉતરી આવ્યા હતા. 7 નવેમ્બરથી બાગલકોટ, મુધોલ અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતો રસ્તા રોકો અને રેલીઓ કરી રહ્યા છે. 13 નવેમ્બરના રોજ, તેઓએ ગોદાવરી (સમીરવાડી) ખાંડ ફેક્ટરીને ઘેરી લીધી, જ્યાં કેટલાક લોકોએ શેરડી ભરેલા ટ્રેક્ટરોને આગ ચાંપી દીધી.
બેલગાવીના ખેડૂતો પ્રતિ ટન ₹3,300 ના સરકારી ભાવ પર સંમત થયા છે, પરંતુ બાગલકોટ અને હાવેરીના લોકો હજુ પણ તેને ભ્રામક કહે છે. તેઓ કહે છે કે રિકવરીના આધારે દર નક્કી કરવાથી ખેડૂતોને નુકસાન થાય છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ખેડૂતોની માંગણીઓ વાજબી છે, પરંતુ સરકાર ખાંડ ફેક્ટરી માલિકોના દબાણ હેઠળ છે.
પોલીસે જણાવ્યું હતું કે 7 નવેમ્બરના રોજ હટ્ટારગી ટોલ પ્લાઝા નજીક વિરોધ પ્રદર્શન દરમિયાન પથ્થરમારા સંદર્ભે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક ભીમાશંકર ગુલેદના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિઓ ખેડૂત નહોતા પરંતુ વિરોધ પ્રદર્શનમાં ખલેલ પહોંચાડવા આવ્યા હતા. વીડિયો ફૂટેજ દ્વારા તેમની ઓળખ કરવામાં આવી હતી. તેમની સામે ઇગજ એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.



