દિલ્હીમાં વૃક્ષો-દિવાલ પડયા-1નુ મોત: 15 ફલાઈટ ડાઈવર્ટ
ગૂજરાત સહિતના રાજયોમાં આકરી ગરમી વચ્ચે દેશનાં ખાસ કરીને ઉતર ભારતનાં રાજયોમાં અચાનક હવામાન પલ્ટો સર્જાતો હતો ધૂળભરી આંધી અને વરસાદ-કરાનો કહેર ઉભો થયો હતો અને વ્યાપક નુકશાન ખાનાખરાબી થઈ હતી. બિહારમાં તો ત્રણેક દિવસથી કુદરતી કહેર હતો. તે સિવાય દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉતરપ્રદેશ જેવા રાજયોમાં પણ વરસાદી મુસીબત ઉભી થઈ હતી. પાટનગર દિલ્હી તથા એનસીઆરમાં ગઈસાંજે એકાએક વાતાવરણ પલટાયુ હતુ. 80 કીમીની ઝડપે ઝંઝાવાતી પવન સાથે ધૂળની આંધી ફુંકાતા રાહદારીઓ-વાહન ચાલકો સહિત તમામ લોકો પરેશાનીમાં મુકાઈ ગયા હતા. ધૂળથી બચવા ચહેરા ઢાંકવા પડયા હતા. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. થાંભલા ઉખડ ગયા હતા. પાંચ માળની ઈમારતની એક દિવાલ ધરાશાયી થતા એક વ્યકિતનું મૃત્યુ નીપજયુ હતું. પવનની આંધી પછી વરસાદ થતાં વાતાવરણ ખુશ્નુમાં બનતા રાહતનો શ્વાસ લેવાયો હતો. વિમાની સેવા પણ પ્રભાવીત થઈ હતી. 15 જેટલી ફલાઈટ ડાઈવર્ટ કરવામાં આવી હતી.
- Advertisement -
દિલ્હી ઉપરાંત પાડોશી રાજય હરિયાણામાં પણ ધુળ-વરસાદનો ઝંઝાવાત સર્જાયો હતો. આ દરમ્યાન કરા વરસ્યા હતા. વૃક્ષો ઉપરાંત વિજથાંભલા, લાઈનો પણ તૂટી પડતા અનેક ભાગોમાં બ્લેક હાઉટની હાલત સર્જાઈ હતી. બે કલાક સુધી કુદરતી કહેરથી લોકો ભયભીત થઈ ગયા હતા. કાળા ડીબાંગ વાદળોથી દિવસે અંધારૂ થઈ ગયુ હતું. રાજયના મોટાભાગનાં શહેરોમાં વરસાદ તથા 50 થી 60 કીમીની ઝડપે પવન ફુંકાયો હતો. સિરસામાં વડાપ્રધાનનાં જાહેરસભાના કાર્યક્રમનો પંડાલ પણ ધરાશાયી થયો હતો. અન્ય એક સરકારી કાર્યક્રમમાં ટેન્ટ ઉખડી ગયો હતો. વડાપ્રધાન 14 મી એપ્રિલ સિરસામાં કાર્યક્રમમાં સામેલ થવાના હોવાથી જર્મન ટેન્ટ લગાવવામાં આવી રહ્યો છે. તોફાની પવનમાં મકાનની ગ્રીલ તૂટી પડતા બે બહેનો ઘાયલ થઈ હતી. એકસપ્રેસવે પર સાઈનબોર્ડ કાર પર પડતા બે લોકો ઘાયલ થયા હતા. ઠેકઠેકાણે વૃક્ષો-થાંભલા પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ સર્જાયેલા હવામાન પલટાને કારણે આજે પણ વાતાવરણ અસ્થિર રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
પંજાબમાં પણ આકરી ગરમી વચ્ચે હવામાન પલટા સાથે વરસાદ વરસ્યો હતો ગરમીમાં રાહત થઈ હતી. છતાં ઘઉ-કૃષિ પાકને નુકશાન થયુ હતું. ઉતર પ્રદેશનાં અનેક ભાગોમાં પણ સમાન સ્થિતિ સર્જાઈ હતી. બિહારમાં પણ કુદરતી આફતનો દોર જારી રહ્યો હતો. હિમાચલ પ્રદેશ તથા કાશ્મીરમાં હિમપાત સર્જાયો હતો. બારાલાસા, રોહતાંગ, જેવા ક્ષેત્રોમાં હિમપાત તથા કાંગડા, સીમલા, ચંબા, કિન્નૌર, જેવા શહેરોમાં વરસાદ વરસ્યો હતો.ચંદીગઢમાં પાંચ ફલાઈટનું ઈમરજન્સી લેન્ડરીંગ કરાવાયું હતું.