એક વાર એક માણસ જંગલમાં ભૂલો પડી ગયો. ઘેઘુર વનમાં ક્યાંય પણ ચાલવા માટેની કેડી દેખાતી ન હતી. હિંસક પ્રાણીઓના અવાજો એને ડરાવી રહ્યા હતા. રાત પડી એટલે એ એક વૃક્ષ પર ચડી ગયો. આખી રાત એણે જેમ-તેમ વિતાવી દીધી. દિવસ દરમ્યાન એ પાછો ભટકતો રહ્યો. ફળ-ફૂલ ખાઈને પેટ ભરતો રહ્યો. આ રીતે બે અઠવાડિયા પસાર થઈ ગયા. એ પછી અચાનક એક દિવસ સામેની દિશામાંથી ચાલ્યો આવતો એક માણસ તેને દેખાયો. એ માણસના દેહ પર માત્ર એક લંગોટી હતી. એની દાઢી અને જટા કોઈ મહાન સાધુને શોભે તેવી જણાતી હતી. ભૂલો પડેલો માણસ ખુશ થઈ ઉઠ્યો.
એણે પેલા આગંતુકને કહ્યું, ‘મહેરબાની કરીને તમે મને આ વનમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવશો? હું પંદર દિવસથી ભૂલો પડેલો છું.’
પેલા અજાણ્યા માણસે જવાબ આપ્યો, ‘ભાઈ, હું તને શી રીતે રસ્તો બતાવી શકું? હું પોતે પંદર વર્ષથી ભૂલો પડેલો છું.’
આપણાં બધાનું પણ લગભગ આવું જ છે. સંસારના જંગલમાં આપણે ભૂલા પડ્યા છીએ અને એવા જટાધારી મનુષ્યો પાસેથી આપણે માર્ગ મળવાની આશા રાખીને બેઠા છીએ જેઓ આપણાં કરતા પણ વધારે ભટકી ગયા છે. ભવાટવીમાંથી સાચો માર્ગ બતાવીને આપણને બહાર લઈ જઈ શકે એવા સદ્ગુરુ તો ભાગ્યે જ જડી આવે. બાકી જ્યાં જુઓ ત્યાં હાટડીઓ ધમધમે છે. માટે જ હું વારંવાર કહું છું કે સાચા માર્ગદર્શન માટે સારા શાસ્ત્રો વાંચો અને તમારી અંદર બેઠેલા ચૈતન્યને પૂજો. ‘અન્નક્ષ ડક્ષિળજ્ઞ ધમ॥’
એક માણસ પગે ચાલતો એક શહેરથી નીકળીને બીજા શહેર તરફ જઈ રહ્યો હતો. વચમાં એક ગામ આવ્યું. વટેમાર્ગુએ ચોરા પર બેઠેલા એક ગામડિયાને પૂછ્યું, “ભાઈ, આ રસ્તો મને ક્યાં લઈ જશે?”
ગામડિયાએ માર્મિક જવાબ આપ્યો, “આ રસ્તો તમને તમારે જ્યાં જવું હશે ત્યાં લઇ જશે.” આ સત્ય છે. પેલા વટેમાર્ગુને એ રસ્તો એક શહેર તરફ લઈ જતો હતો. શહેરમાં તો મદિરાલાય પણ હોય અને શિવાલય પણ. ત્યાં પહોંચ્યા પછી તે વટેમાર્ગુએ નક્કી કરવાનું છે કે તેણે ક્યાં જવું.
એવા સદગુરૂ ભાગ્યે જ મળે છે જે સાચો માર્ગ બતાવે!
