ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે નાના બાળકો/વિદ્યાર્થીઓમાં સરિસૃપો પ્રત્યે રુચિ પેદા થાય અને તેઓ સરિસૃપો વિશે વધુ માહિતગાર થાય તેવા મુખ્ય ઉદ્દેશ્ર્ય સાથે “સ્કેલ્સ એન્ડ સ્માઇલ્સ” પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ કાર્યક્રમમાં 60થી પણ વધારે બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માટે મુખ્ય વિષય નિષ્ણાંત તરીકે ક્ષમતા ગાયકવાડને બોલાવવામાં આવેલા હતા. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના બાયોલોજિસ્ટ મહેક રાવલ અને રવિ પટેલ દ્વારા વિવિધ સરિસૃપ પ્રાણીઓ અને પરિસરતંત્રને લગતી વિવિધ પ્રવૃત્તિઓ અને રમતો રમાડવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રાણી સંગ્રહાલયની મુલાકાત, સક્કરબાગ જંગલ સફારીની મુલાકાત અને અન્ય પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી.
બાળકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના નિયામક રાજદીપ ઝાલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરવ મારુ મકવાણા, વનપાલ, ફોરેસ્ટ ગાર્ડ, અને પ્રાણી સંગ્રહાલયના સમગ્ર સ્ટાફએ યોગદાન આપ્યું હતું.



