ભારતના શુભાંશુ શુક્લા અને અન્ય 3 લોકો સાથે એક્સિઓમ-4 મિશન ISS ની 28 કલાકની યાત્રા પર નીકળ્યું
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને ત્રણ આંતરરાષ્ટ્રીય ક્રૂમેટ્સ સાથે એક્સિઓમ-4 મિશન, વિલંબ પછી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. શુક્લા, પાયલોટ તરીકે, અવકાશ સંશોધનમાં ભારત માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ક્રૂ તેમના બે અઠવાડિયાના રોકાણ દરમિયાન 60થી વધુ વિજ્ઞાન પ્રયોગો કરશે,
- Advertisement -
ભારત ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અંતરિક્ષયાત્રી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થઈ ગયા છે. અહીં પહોંચતા જ તેઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા પહેલા ભારતીય બની જશે. આ પહેલા 3 એપ્રિલ, 1984ના રોજ વિંગ કમાન્ડર રાકેશ વર્મા Soyuz T-11 મિશન હેઠળ અંતરિક્ષમાં ગયા હતા. આમ, શુભાંશુ શુક્લા અંતરિક્ષની મુલાકાત લેનારા રાકેશ વર્મા પછી બીજા ભારતીય હશે.
શુભાંશુ શુક્લા નાસા અને ઈસરોના સંયુક્ત મિશન Axiom-4માં એક પાયલટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ સમગ્ર મિશનનું નેતૃત્વ કમાન્ડર પૈગી વ્હિટસન કરી રહ્યા છે. આ ઉપરાંત હંગેરીના અંતરિક્ષ યાત્રી ટિબોર કપુ અને પોલેન્ડના સ્લાવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નિવસ્કી પણ આ મિશનમાં સામેલ છે. Axiom-4 બુધવારે ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પ્લેક્સ 39Aથી રવાના થયું હતું. 28 કલાકની મુસાફરી બાદ આ અંતરિક્ષયાન ગુરુવારે સાંજે 04:30 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચવાની આશા છે.
- Advertisement -
શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાંથી મોકલ્યો પહેલો મેસેજ
Axiom-4 મિશનના લોન્ચ પછી, શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાંથી પહેલો મેસેજ મોકલ્યો છે. જેમાં લખ્યું છે કે, ’41 વર્ષ પછી આપણે અંતરિક્ષમાં પાછા પહોંચ્યા છીએ અને તે એક અદ્ભુત સવારી છે. અત્યારે અમે પૃથ્વીની આસપાસ 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફરી ર્યા છીએ અને મારા ખભા પર મારો ત્રિરંગો છે.’
Axiom મિશનમાં શુભાંશુ શુક્લાની ભૂમિકા શું રહેશે?
શુભાંશુ શુક્લાને આ મિશનમાં પાયલટ તરીકે ISS મોકલવામાં આવી રહ્યા છે એટલે કે શુભાંશુ ડ્રેગન કેપ્સ્યુલનું માર્ગદર્શન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જેના દ્વારા Axiom-4 મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) મોકલવામાં આવશે. અહીં, અંતરિક્ષયાનને ISS પર ડોક કરીને અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે પહોંચાડવાની જવાબદારી શુભાંશુના ખભા પર રહેશે.
આ મિશનનો હેતુ શું છે?
Axiom સ્પેસની વેબસાઇટ અનુસાર, Axiom-4 મિશન દરમિયાન, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 60 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવશે. જેમાં 31 દેશોના વૈજ્ઞાનિકો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. ભારત અને નાસા વચ્ચે સંયુક્ત સહયોગમાં 12 પ્રયોગો કરવામાં આવશે, જેમાં 7 પ્રયોગ ભારત દ્વારા કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય ભારતમાં સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. તેમજ 5 અમેરિકન સંશોધન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રયોગો મુખ્યત્વે જૈવિક વિજ્ઞાન, માનવ સ્વાસ્થ્ય, અંતરિક્ષ જીવન પ્રણાલીઓ અને મોર્ડન ટેકનોલોજી પર આધારિત હશે.
ભારત માટે પણ ખાસ છે આ મિશન
ભારત 2035 સુધીમાં પોતાનું અંતરિક્ષ મથક બનાવવાનું અને 2047 સુધીમાં ચંદ્ર પર અંતરિક્ષયાત્રીઓ મોકલવાનું લક્ષ્ય ધરાવે છે. ભારતે તેના માટે તૈયારી શરૂ કરી દીધી છે. તેમજ શુભાંશુ શુક્લા ગગનયાન મિશનનો ભાગ ન હોવા છતાં, Axiom-4 માંથી મેળવેલ તેમનો અનુભવ ગગનયાન અવકાશયાત્રીઓની તાલીમ અને મિશન ડિઝાઇનમાં ઉપયોગી સાબિત થશે. આ મિશન ભારતને પોતાનું અંતરિક્ષ મથક બનાવવાની પણ મદદ કરશે.
વૈશ્વિક સ્તરે ભારતની શાખમાં વધારો કરશે
Axiom-4 મિશન ભારતની વૈશ્વિક અંતરિક્ષ ક્ષેત્રની હરળફાળની છબિને મજબૂત બનાવશે અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવામાં મદદ કરશે. શુભાંશુ શુક્લા રાકેશ શર્મા પછી ભારતના બીજા અંતરિક્ષયાત્રી બનશે, જે અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની સાતત્ય અને વિકાસને સ્પષ્ટપણે દર્શાવે છે.
એક્સિઓમ-4 મિશન ઘણી વખત ટળ્યું હતું
એક્સિઓમ મિશન હેઠળ લોન્ચિંગ 29 મેના રોજ થવાનું હતું, પરંતુ ફાલ્કન 9 રોકેટના બૂસ્ટરમાં અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના જૂના રશિયન મોડ્યુલમાં લિક્વિડ ઓક્સિજનનું લિકેજ જોવા મળ્યા બાદ, તેને પહેલા 8 જૂન, પછી 10 જૂન અને પછી 11 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. ત્યારપછી લોન્ચિંગ યોજના ફરીથી 19 જૂન સુધી મુલતવી રાખવામાં આવી અને પછી લોન્ચિંગ તારીખ 22 જૂન નક્કી કરવામાં આવી. 22 જૂનના લોન્ચિંગને મુલતવી રાખવામાં આવ્યા બાદ, હવે તેને 25 જૂને લોન્ચ કરવામાં આવી રહ્યું છે.