1 વર્ષથી કર્મચારીઓને પગાર ચૂકવાતો નથી: કાયદો અને પોલીસ અમારા હાથમાં છે કંપનીના માલિકોની લુખ્ખી દાદાગીરી
ખાસ-ખબર સંવાદદાતા
હરેશભાઇ હેરભા આત્મહત્યા કેસમાં આોરપીઓની તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવા રાજકોટ પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે. ગત તા. 19/11/2023ના રોજ રાજકોટની અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. કંપનીના કર્મચારી હરેશભાઇ હેરભાએ કંપનીના માલીકો છેલ્લા 1 વર્ષથી પગાર આપતા ન હોય અને માનસિક ત્રાસ આપતા હોય તેમને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. મૃતકના પરીવારજનોએ ડેડબોડી સ્વીકારવાની ના પાડી ત્યારે માંડ માંડ પોલીસ દ્વારા ફરીયાદ લેવામાં આવી હતી. આ બાબતની એફ.આઇ.આર. મૃતકના ભાઇ દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પરંતુ આ ફરીયાદને 10-10 દિવસ વીતી જવા છતા આરોપીઓ પોલીસ પકડથી હજુ દૂર શા માટે? તેવા અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.
આ કંપનીમાં કુલ 450 જેટલા કર્મચારીઓ કામ કરે છે. તમામને છેલ્લા 1 વર્ષથી માલીકો દ્વારા પગાર આપવામાં આવ્યો નથી. અને પગારની કર્મચારીઓ માંગણી કરે તો આ ઉદ્યોગપતિઓ સુરેશ સંતોકી અને નીતીન સંતોકી સહિતના ધમકી આપે છે કે પગાર નહીં મળે તમે થાય તે કરી લો અને કાયદો અને પોલીસ અમારી મુઠ્ઠીમાં છે. તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ તમે અમારું કશું બગાડી શકશો નહીં.
કર્મચારીની આત્મહત્યાનો આ પહેલો બનાવ નથી. અગાઉ બે વ્યક્તિઓ પણ પગાર બાબતે આત્મહત્યા કરી પોતાનો જીવ આપી દીધો છે. પરંતુ આ માલીકોનું પેટનું પાણી પણ હલતું નથી. કારણ કે પોલીસ આવા લોકોને છાવરે અને પડદા પાછળ ભૂંડી ભૂમિકા ભજવે છે. આમ આત્મહત્યાનો આ ત્રીજો બનાવ છે. તેમજ આ ત્રણ બનાવ સિવાય 3 થી 4 વ્યક્તિએ અગાઉ આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો પરંતુ પોલીસ દ્વારા તેમની પણ ફરીયાદ લેવામાં આવી નથી.
આ કેસના તમામ આરોપીઓના ફોન પણ છેલ્લા 8 દિવસથી ચાલુ હતા તો પોલીસ કેમ તેની ધરપકડ કરતી નથી. તે એક મોટો પ્રશ્ર્ન છે. અગાઉના આત્મહત્યા કેસમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે બીજા કર્મચારીઓએ આત્મહત્યા ન કરી હોત અને પોતાના હક્કના પૈસા તેમને મળી ગયા હોત. ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારી વિરુદ્ધ ખાતાકીય પગલા લેવાની માંગ પણ આહીર સેના ગુજરાત દ્વારા કરાઇ છે.
આમ આ મુદ્દાને ગંભીરતાથી લઇ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવામાં આવે જેથી 450 જેટલા કર્મચારીઓને અને તેમના પરીવારોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી રીતે કોઇપણ ઘરનો મોભી ન છીનવાય અને તેના પરીવારનો માળો પીંખાય નહીં. આ બાબતે આપના તંત્ર દ્વારા કોઇપણ જાતના પગલા લેવામાં નહીં આવે તો આહીર સેના ગુજરાત દ્વારા ના છૂટકે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.