ખાસ-ખબર સંવાદદાતા
ઔદ્યોગિક રીતે સક્ષમ મોરબી શહેર દિન પ્રતિદિન વિકાસના શિખરો સર કરી રહ્યું છે. મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અને અન્ય જિલ્લાની વસ્તી શહેરમાં આવી રહી છે ત્યારે શહેરની વસ્તી જે રીતે વધી રહી છે તે પ્રમાણે મોરબી નગરપાલિકા જરૂરિયાત પૂર્ણ કરી શકે તેટલી સક્ષમ નથી જેના કારણે મોરબીને મહાનગરપાલિકા બનાવવી જરૂરી હોવાની લેખિત રજૂઆત મોરબીના ભાજપ અગ્રણી વિજયભાઈ લોખીલે મુખ્યમંત્રીને કરી છે.
મોરબી નગરપાલિકાના વિસ્તારને મ્યુનીસીપલ કોર્પોરેશન (મહાનગરપાલિકા) માં તબદીલ કરીને માધાપર, વજેપર, શનાળા, રવાપર, નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ભડિયાદ, ત્રાજપર, લાલપર સહિતના ગામોનો સમાવેશ કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા રજુઆત કરવામાં આવી છે.
- Advertisement -
મહાપાલિકા માટે પાલિકા પ્રમુખ સત્તા છોડવા તૈયાર !
મોરબી શહેરને તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આદર્શ નગર બનાવવું હશે તો પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તે અનિવાર્ય છે જેથી ભાજપ શાસિત મોરબી પાલિકાના મહિલા પ્રમુખ કુસુમબેન પરમારે મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તો તે સત્તા છોડવા તૈયાર છે તેવી લાગણી વ્યક્ત કરીને વડાપ્રધાનને પત્ર લખ્યો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, જો મહાનગરપાલિકાની સત્તાવાર જાહેરાત થશે તો વર્તમાન પ્રમુખ તરીકેની અને વોર્ડ નંબર 11 ના કાઉન્સિલર તરીકેની મારી જવાબદારીઓ અને સત્તા મારે છોડવાનો વારો આવશે એ જાણવા છતાં મારી સ્ત્રી દાક્ષણીય તરીકે સર્વશ્વ છોડવા હું તૈયાર છું.