ધર્મેન્દ્ર કોલેજ હોસ્ટેલ બિલ્ડિંગ અને કોટક સાયન્સ સ્ટાફ કવાર્ટર જર્જરિત હાલતમાં
જૂના બિલ્ડિંગમાં વારંવાર કનેક્ટિવિટીના પ્રશ્ર્નો પણ સર્જાય છે: એન. જે. પટેલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં સબરજિસ્ટાર કચેરીના કુલ 8 ઝોન આવેલ છે. તેમાંથી ધર્મેન્દ્ર કોલેજ હોસ્ટેલ બિલ્ડિંગમાં તથા કોટક સાયન્સ સ્ટાફ કવાર્ટરમાં મળી કુલ 5 ઝોન બેસે છે. જે બિલ્ડિંગો ખૂબ જ જર્જરિત છે અને ચોમાસામાં ત્યાં બેસવું હિતાવહ નથી તેમજ ત્યાં અવારનવાર કનેક્ટીવીટીના પ્રશ્ર્નો રહે છે તેના કારણે પ્રજા હેરાન થાય છે તેમજ આ જગ્યા સબરજિસ્ટાર કચેરી ખાલી કરી આપે તેવી તેમને નોટીસ પણ જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે તેવું જાણવા મળ્યું છે ત્યારે હવે ફાસ્ટટ્રેક બિલ્ડિંગ સબ રજિસ્ટાર કચેરી માટે ફાળવવામાં આવે તેવી માંગ રેવન્યુ પ્રેક્ટીશનર્સ એસો.ના પ્રમુખ એન. જે. પટેલે કલેકટરને પત્ર પાઠવી કરી છે.
રાજકોટ ખાતે ફાસ્ટટ્રેક કોર્ટની જગ્યાની લગોલગ નોંધણી ભવન નવું જ બનાવવામાં આવ્યું છે અને ત્યાં મદદનીશ નોંધણી સર નિરીક્ષકની કચેરી તથા હેડ કવાર્ટર સબરજિસ્ટાર કચેરી ઝોન 1, 2, 8 એમ કુલ ત્રણ ઝોન બેસે છે અને ફાસ્ટટ્રેક કોર્ટનું બિલ્ડિંગ તેની લગોલગ આવેલુ છે.
તેથી આ બિલ્ડિંગ ધર્મેન્દ્ર કોલેજ હોસ્ટેલ બિલ્ડિંગમાં તથા કોટક સાયન્સ સ્ટાફ કવાર્ટરમાં સબ રજિસ્ટાર કચેરીના જે ઝોન બેસે છે તેમને ફાળવવામાં આવે તો બધી જ સબ રજિસ્ટાર કચેરીઓ એક જ કેમ્પસમાં હોય તેવો અનુભવ થશે અને તેથી દસ્તાવેજની કામગીરી માટે આવતા અરજદારોને પણ ખૂબ જ સુગમતા રહેશે અને બધી જ સબ રજિસ્ટાર કચેરીઓનું કામ અરજદારોને એક જ જગ્યાએ મળી શકશે અને અલગ અલગ જગ્યાએ ધક્કા પણ ખાવા નહીં પડે. આમ જો ફાસ્ટટ્રેક કોર્ટવાળું બિલ્ડિંગ સબ રજિસ્ટાર કચેરીને ફાળવવામાં આવે તો સમય અને શક્તિનો બચાવ થશે અને પ્રજાને અલગ-અલગ જગ્યાએ ધક્કા ખાવા પડે છે તેનું પણ નિરાકરણ આવશે અને એક જ જગ્યાએ તમામ સવલતો મળી રહેશે.
તાજેતરમાં જ ફાસ્ટટ્રેક કોર્ટવાળુ બિલ્ડિંગ ખાલી કરવામાં આવેલ છે અને હાલ ખાલી છે ત્યાં નાયબ કલેકટર કચેરી તથા મામલતદાર કચેરી પણ બાજુમાં છે તેથી રેવન્યુને લગતી કામગીરીમાં તેમજ રેવન્યુ કર્મચારીઓની થતી અવારનવાર મીટીંગોમાં પણ રેવન્યુ સ્ટાફને હાજર રહેવામાં સુગમતા રહે તે હેતુથી તેમજ નોંધણી ભવનમાં કનેકટીવીટીના પ્રશ્ર્નો પણ ખૂબ જ ઓછા હોય છે તેથી અમો વિનંતી કરીએ છીએ કે પ્રજાનું વિશાળ હિત લક્ષમાં લઈ ફાસ્ટટ્રેક કોર્ટ જ્યાં બેસતી હતી તે બિલ્ડિંગ હાલ ખાલી થઈ છે તેથી તે બિલ્ડિંગ સબ રજિસ્ટાર કચેરીના તાત્કાલિક ફાળવવા રજૂઆત કરવામાં આવી છે.