રોહિત રાજપૂતની આગેવાનીમાં વિદ્યાર્થીઓ કુલપતિ બંગલે પહોંચ્યા
કુલપતિ બંગલા પર હાજર સમાજ કલ્યાણના અધિકારીઓનો મંત્રીએ ઉધડો લીધો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોને લઈને વિદ્યાર્થીનેતા રોહિત રાજપૂતની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. કુલપતિ બંગલા ખાતે થયેલી આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ હોસ્ટેલની મૂળભૂત સુવિધાઓ, વ્યવસ્થાપન અને લાંબા સમયથી અટકેલા પ્રશ્ર્નો અંગે વિસ્તૃત રીતે રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળતા જ મંત્રીએ હાજર રહેલા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓનો કડક શબ્દોમાં ઉધડો લીધો હતો અને બેદરકારી બદલ નારાજગી વ્યક્ત કરી હતી. મંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે સમરસ હોસ્ટેલ સંબંધિત તમામ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે અને એક અઠવાડિયાની અંદર વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવે. સમરસ હોસ્ટેલના મુદ્દે અગાઉ પદવીદાન કાર્યક્રમ દરમિયાન ઘેરાવની ચીમકી આપવામાં આવી હોવાને પગલે પોલીસ બંદોબસ્ત કડક ગોઠવવામાં આવ્યો હતો. જોકે, વિદ્યાર્થીનેતા રોહિત રાજપૂત વિદ્યાર્થીઓ સાથે સીધા કુલપતિ બંગલે જઇ મંત્રી સુધી પહોંચતા હાજર રહેલા નેતાઓ અને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. આ અંગે રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, અમારી એકમાત્ર પ્રાથમિકતા સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓની સમસ્યાઓનું કાયમી સમાધાન થાય તે છે. મંત્રીએ મુદ્દાની ગંભીરતા સમજીને સકારાત્મક વલણ દાખવ્યું છે અને ઝડપી ઉકેલની ખાતરી આપી છે, જે વિદ્યાર્થીઓ માટે આશાસ્પદ છે. મંત્રીએ પણ વિદ્યાર્થીઓને વિશ્વાસ આપ્યો કે, શિક્ષણ અને હોસ્ટેલ સંબંધિત પ્રશ્ર્નોમાં કોઈ ઢીલાશ ચલાવવામાં આવશે નહીં અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાને પગલે સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓમાં આશાનો સંચાર થયો છે.
મંત્રીની અધિકારીઓને સૂચના : રોજ વિદ્યાર્થીઓ સાથે જમતા હોય તેવા ફોટો વિભાગને મોકલો
- Advertisement -
વિદ્યાર્થીનેતા રોહિત રાજપૂતની આગેવાનીમાં સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓની ફરિયાદના પગલે કુલપતિ બંગલે હાજર સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓના પરેસવા છૂટી ગયા હતા. ગંભીર ફરિયાદના પગલે અંતમાં મંત્રીએ અધિકારીને કહ્યું કે રોજ વિદ્યાર્થીઓ સાથે જમતા હોય તેવા ફોટો વિભાગને મોકલો.



