ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મવડીમાં આવેલી શાંતિનિકેતન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વે સમાજના વિવિધ વર્ગોના લોકો સાથે ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો ઉત્સવની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન એ એવો પર્વ છે, જે ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, સ્નેહ અને રક્ષણના બંધનનું પ્રતિક છે, તેમજ એકબીજાની સલામતી અને સુખાકારી માટે આપેલા વચનનું સ્મરણ કરાવે છે. “સમાજની સેવા માટે દિવસરાત ખપતા હાથે, ફરજનો દીવો પ્રગટાવ્યો છે, એવા હાથોમાં આજે આભાર અને સ્નેહની રાખડી બાંધી ઉજાસ છલકાવ્યો છે.”
- Advertisement -
આ અવસરે કોલેજના વિદ્યાર્થીઓએ સફાઈ કામદારો, કચરો એકત્રિત કરતી ગાડીના કર્મચારીઓ, શાકભાજી વેચનાર, ફળ વેચનાર તથા ઝૂંપડપટ્ટીમાં રહેતા નિરાધાર બાળકોને રાખડી બાંધી, મીઠાઈ વહેંચી અને સન્માનભેર પર્વની ઉજવણી કરી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગ સાથે સ્નેહબંધન મજબૂત કરવો અને પરસ્પર માનવતાનું સંદેશ પ્રસરાવવાનો હતો.