અર્સિતા કાનાણી અને પૂજા ઝાપડિયા દ્વારા 800 વ્યક્તિઓ પર અભ્યાસ કરી મનોવૈજ્ઞાનિક પાસાઓને ધ્યાનમાં રાખી પ્રશ્ર્નાવલી તૈયાર કરી
આ પ્રશ્ર્નાવલીના આધારે વ્યક્તિમાં સેલ્ફી લેવાની આદતનું પ્રમાણ અને તેની ગંભીરતા જાણી શકાય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
- Advertisement -
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે ‘સેલ્ફી’ લેવાનો ક્રેઝ હવે માત્ર શોખ નહીં પરંતુ એક ગંભીર મનોવૈજ્ઞાનિક વળગણ તરીકે સામે આવી રહ્યો છે. આ પરિસ્થિતિની ગંભીરતા સમજીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક મહત્વપૂર્ણ સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. મનોવિજ્ઞાન ભવનની બે વિદ્યાર્થીનીઓ અને પ્રોફેસરો દ્વારા વિકસાવવામાં આવેલી વિશેષ સેલ્ફીટીસ મનોવૈજ્ઞાનિક પ્રશ્નાવલીને ભારત સરકાર દ્વારા અધિકૃત રીતે કોપીરાઈટ આપવામાં આવ્યું છે.
મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીઓ કાનાણી અર્સિતા બી. અને ઝાપડિયા પૂજા આર. દ્વારા પ્રોફેસર ડો. યોગેશ જોગસણ અને ડો. ધારા આર. દોશીના માર્ગદર્શન હેઠળ આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. આશરે 800 વ્યક્તિઓ પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, વિવિધ મનોવૈજ્ઞાનિક પાસાઓને ધ્યાનમાં રાખીને આ પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે.
આ કસોટીમાં કુલ 40 મનોવૈજ્ઞાનિક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં દરેક પ્રશ્ન માટે ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે. તેના આધારે વ્યક્તિમાં સેલ્ફી લેવાની આદતનું પ્રમાણ અને તેની ગંભીરતા જાણી શકાય છે. ખાસ કરીને 15 થી 30 વર્ષના યુવાનોમાં જોવા મળતા ‘સેલ્ફીટીસ’ના વળગણને માપવા માટે આ કસોટી અત્યંત ઉપયોગી બનશે. આ પ્રશ્નાવલીનો ઉપયોગ મનોવિજ્ઞાન ક્ષેત્રના સંશોધકો, પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓ, મનોચિકિત્સકો તથા કાઉન્સેલર્સ દ્વારા નિદાન અને માર્ગદર્શન માટે કરી શકાય તેમ છે.
‘સેલ્ફીટીસ’ એવી માનસિક અવસ્થા જેમાં સેલ્ફીને સોશિયલ મીડિયા પર મૂકવાની પ્રબળ ઇચ્છા થાય છે
મનોવિજ્ઞાન મુજબ ‘સેલ્ફીટીસ’ એવી માનસિક અવસ્થા છે જેમાં વ્યક્તિ વારંવાર સેલ્ફી લેવાની અને તેને સોશિયલ મીડિયા પર મૂકવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે. આ સંશોધનમાં સેલ્ફીટીસને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવી છે. બોર્ડરલાઇન સેલ્ફીટીસમાં વ્યક્તિ દિવસમાં ઓછામાં ઓછી ત્રણ સેલ્ફી લે છે પરંતુ પોસ્ટ કરતી નથી. એક્યુટ સેલ્ફીટીસમાં વ્યક્તિ ત્રણ કે તેથી વધુ સેલ્ફી લઈને તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે અને લાઇક્સ-કોમેન્ટ્સ માટે આતુર રહે છે. જ્યારે ક્રોનિક સેલ્ફીટીસ સૌથી ગંભીર તબક્કો છે, જેમાં વ્યક્તિ દિવસમાં છથી વધુ સેલ્ફી પોસ્ટ કરે છે અને ક્યારેક જોખમી સ્થળોએ પણ સેલ્ફી લેવા જતો હોય છે.



