હેલ્મેટ નિયમનો ભંગ કરનાર સામે ખાતાકીય પગલાની પણ ચેતવણી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજયમાં માર્ગ અકસ્માતોમાં મોતના વધતા કિસ્સા છતા હેલ્મેટ નિયમનો અસરકારક અમલ કરાવાતો ન હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારી તંત્રની ઝાટકણી કાઢીને આકરૂ વલણ અપનાવ્યુ જ છે. હવે હાઈકોર્ટ દ્વારા સ્ટાફ માટે હેલ્મેટ પહેરવાનું ફરજીયાત કરતો આદેશ જારી કર્યો છે અને તેમાં ભંગ કરનાર સામે ખાતાકીય પગલા લેવા તથા હાઈકોર્ટ સંકુલમાં પ્રવેશ પ્રતિબંધ જાહેર કરાયો છે.
- Advertisement -
હેલ્મેટ મામલે ટ્રાફીક પોલીસથી માંડીને સંબંધીત વિભાગોને આકરી કાર્યવાહી કરવાના આદેશ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે પોતાના સ્ટાફ સાથે પરિપત્ર ઈસ્યુ કર્યો છે. હાઈકોર્ટમાં ટુ-વ્હીલર લઈને આવતા કર્મચારી-ઓફીસરો માટે હેલ્મેટ પહેરવાનું ફરજીયાત કર્યું છે. આ નિયમનો ભંગ કરનાર સામે ખાતાકીય પગલા લેવાની ચેતવણી આપી છે. હેલ્મેટ વિના ટુ-વ્હીલર હંકારીને આવતા કર્મચારીને હાઈકોર્ટ સંકુલમાં જ પ્રવેશવા ન દેવા પરિપત્રમાં કહેવાયું છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજથી જ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે.અમદાવાદ સહિતનાં શહેરોમાં ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી અને ટ્રાફીક પોલીસ કે સંબંધીત વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી પણ થતી ન હોવા વિશે વડી અદાલત કેટલાંક વખતથી સરકાર સામે નારાજગી વ્યકત કરી રહી છે.નિયમ ભંગ બદલ લાયસન્સ સસ્પેન્ડ કરવા સહીતના પગલા સુચવ્યા છે. હેલ્મેટ નિયમનો હાઈકોર્ટમાં જ અસરકારક અમલ થાય તે માટે સ્ટાફ માટે પરિપત્ર ઈસ્યુ કરાયો છે.