પાટડીમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
પાટડીની સૂરજમલજી હાઈસ્કૂલના મેદાન પર સામાજિક સમરસતા એકતા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન કર્યું હતું.
ગૃહમંત્રીએ જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ પણ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન પડે તે માટે અભિયાન શરૂ કરવું જોઈએ. તેમણે કહ્યું કે જે દીકરો માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકે તેને લગ્ન પ્રસંગ કે અન્ય કાર્યક્રમોમાં આમંત્રિત ન કરવો જોઈએ. પોલીસ આવા માતા-પિતા અને સંતાનોનું મિલન કરાવવાનું કાર્ય કરી રહી છે.
- Advertisement -
સંઘવીએ વધુમાં ઉમેર્યું કે બહેન-દીકરીનું અપમાન કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. જિલ્લામાં દાદાગીરી કરનારાઓને તેમની ભાષામાં જવાબ આપવામાં આવશે. ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રૂ. 1.51 લાખનું રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે. કાર્યક્રમમાં દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે.પરમાર, જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રભારી દિલીપભાઈ પટેલ, ઉદાસી આશ્રમના ભાવેશ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડ્યા સહિતના પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.