ગીર સોમનાથમાં રસ્તા પરના ડિવાઈડર તોડનારાઓને જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજાનો સંદેશ
પેટ્રોલિયમ પ્રોડક્ટનો સપ્લાય કરતી કંપનીના અધિકારી સાથે બેઠક બોલાવીને સૂચના આપી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં ગંભીર અકસ્માત થતાં અટકાવવા માટે નેશનલ હાઇવે તથા અન્ય રોડ પરના અનધિકૃત રીતે તોડવામાં આવેલ ડિવાઈડરનો સર્વે હાથ ધરી અને તેને યુદ્ધનાં ધોરણે બંધ કરવા આદેશ આપી હાઇવે પરના તમામ અનધિકૃત કટિંગ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટએ પેટ્રોલિયમ કંપનીના અધિકારી સાથે બેઠકનું આયોજન કરીને તેઓને સૂચના આપવામાં આવી હતી કે, ભવિષ્યમાં કોઈપણ પેટ્રોલ પંપ સંચાલક દ્વારા ગેરકાયદેસર રીતે રોડ પરના ડિવાઈડરને તોડવામાં કે નુકશાન કરવામાં આવશે તો તેવા ફ્યુઅલ સ્ટેશનનો પેટ્રોલિયમ સપ્લાય બંધ કરવાં, પેટ્રોલિયમ સ્ટોરેજનું એન.ઓ.સી./લાયસન્સ રદ્ કરવા તથા પેટ્રોલપંપના માલિક/સંચાલક તથા પેટ્રોલિયમ સપ્લાય કરતી કંપનીના જવાબદાર વ્યક્તિ વિરૂદ્ધ જાહેર સંપતિને નુકશાન પહોચાડવા તથા જાહેર જનતાના જીવને જોખમમાં મૂકવાના કૃત્ય સબબ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે તેમજ અન્ય રસ્તા પરના ડિવાઈડરને કોઈ ઇસમ/ હોટેલ/અન્ય એકમ દ્વારા તોડવામાં કે નુકશાન પહોચાડવામાં આવે તો તે અંગેની તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવી કે જેથી આવું કૃત્ય કરનારા વિરૂદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી શકાય અને રસ્તા પરના આવા અનધિકૃત કટના કારણે થતા ગંભીર અકસ્માતો અટકાવી જાહેર જનતાની સુરક્ષામાં વધારો કરી શકાય.