આનંદનગરના 48 પરિવાર રઝળતા થયા, દીવાના અજવાળે રસોઈ બનાવી
હાઉસિંંગ બોર્ડે 50 વર્ષ પહેલાં બનાવેલા બ્લોક નં.3 અને 5ના 48 ફ્લેટના નળ-વીજકનેક્શન કાપી નખાયાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
દૂધસાગર રોડ પર ક્વાર્ટરને ખાલી કરાવવાની પ્રક્રિયા બાદ હવે કોઠારિયા રોડ પર નીલકંઠ સિનેમા પાસે આવેલા વર્ષો જૂના આનંદનગર આવાસના 6 બ્લોકના 96 આવાસમાંથી નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપી નાખીને ખાલી કરવા માટે જાહેર નોટિસ આપી દેવાઈ છે. આનંદનગર ક્વાર્ટર 1977માં બનાવવામાં આવ્યા હતા જેને ચાર દાયકા જેટલો સમય વીતી ગયો છે અને તે ઉપરાંત યોગ્ય જાળવણી પણ કરવામાં ન આવતા હાલ અતિ જર્જરીત બની ગયા છે. વર્ષોથી આ ક્વાર્ટરને નોટિસ પાઠવવામાં આવે છે પણ કોઇ ગંભીરતા ન લેવાઈ અને પરિણામે મનપાએ કાયદાનુસાર કાર્યવાહી કરીને આખરી નોટિસ આપી કનેક્શન કાપી નાખ્યા છે. આ કાર્યવાહી થતાં જ અત્યાર સુધી ભૂગર્ભમાં રહેલા વિસ્તારના નગરસેવકો લોકો સાથે હોવાનો દેખાવ કરવા માટે લોકો સાથે જ મનપા કચેરીએ પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે બેઠા હતા જોકે કાર્યવાહીને બ્રેક લાગી નથી. આનંદનગરમાં નોટિસ બાદ હવે જો લોકો આવાસમાં રહેશે તો પોલીસ બંદોબસ્ત સાથે આવાસ ખાલી કરાવાશે. આવી જ કાર્યવાહી દૂધસાગર રોડ પર કરવામાં આવી હતી જ્યાં નળ કનેક્શન કાપી નાખ્યા બાદ સીલ કરવાની ચીમકી અપાઈ હતી જેને કારણે 80 ટકા જેટલા લોકોએ આવાસ ખાલી કરી દીધા છે. દૂધસાગર રોડ અને આનંદનગર બાદ હવે ક્રમશ: અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી કરાશે.
જ્યાં સુધી નવા આવાસો ન બને ત્યાં સુધી તેમને મનપાના ખાલી આવાસોમાં સ્થાન આપવું જોઈએ. મુખ્યમંત્રી તરફથી હકારાત્મક પ્રતિભાવ આવતા મનપા અને હાઉસિંગ બોર્ડ વચ્ચે મંત્રણા શરૂ થઈ છે જેમાં આવાસો ખાલી કરાયા બાદ ટેન્ડર થયે જે પણ એજન્સી આવશે તેની સાથે ભાડું નક્કી કરીને મનપા પોતાના આવાસ હાઉસિંગ બોર્ડને આપશે. હાઉસિંગ બોર્ડ તે આવાસો લાભાર્થીઓને આપશે અને નવા આવાસો બને એટલે ખાલી કરાવીને ફરી મનપાને સોંપી દેશે. આનંદનગરમાં હાઉસિંગ બોર્ડના અતિ જર્જરિત બે બ્લોકના 48 ફ્લેટના વીજળી અને નળ કનેકશન કાપી નખાયા બાદ રોષે ભરાયેલી મહિલાઓએ મોડીરાત્રે રસ્તા પર બેસીને ચક્કાજામ કરી દીધો હતો અને એક પીસીઆર વેનની હવા પણ કાઢી નાખી હતી. ઘટના સ્થળે પહોંચેલા કોર્પોરેટરોને અસરગ્રસ્તોએ અમે તમને ઓળખતા નથીનું જણાવી દીધું હતું.