JCPની સરપ્રાઈઝ વિઝિટની અસર
પોલીસની વર્તણૂંક બદલાઈ
સ્ટેશનમાં ફરિયાદીને બેસાડીને પાણી પીવડાવી રજૂઆત સંભળાય છે
બે દિવસ પહેલા JCPએ ગ્રાઉન્ડ રિયાલીટી ચેક કરી ચાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના પોલીસ સ્ટેશનોમાં પોલીસ લોકોની ફરિયાદ લેવાની ઠીક પણ તેમની સાથે સારી રીતે વાત પણ ન કરતા હોવાની અનેક ફરિયાદો વધવા લાગી હતી. આખરે સેક્ટર-2ના આઇજી ગૌતમ પરમારને સામાન્ય લોકો મળતા અને આજીજી કરતા જેથી અમુક લોકો સાથે તેમણે વાત કરતા આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. જેથી તેમણે સેક્ટર- 2 વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનોમાં આઇજી પોતે ગ્રાઉન્ટ રીયાલીટીની ચકાસણી માટે પોતે ફરિયાદી બની મેદાનમાં ઉતર્યા હતા. જેમાં 3 પોલીસ સ્ટેશનોમાં રુબરુ જતાં તેમણે પણ પોલીસકર્મીઓનો કડવો અનુભવ થયો હતો. આ પરથી તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને શીખ મળે તથા તેમનુ કર્તવ્ય યાદ આવે અને સામાન્ય લોકોને સારી અને સરળ રીતે ન્યાય મળે તે માટે ચાર પોલીસકર્મીઓને ગેરવર્તણુક બદલ સસ્પેન્ડ કર્યા હતા.
જે બાદ અન્ય પોલીસ સ્ટેશનોમાં ફરિયાદીની ફરિયાદને પોલીસ ગંભીર રીતે લેતી થઈ છે. ગૌતમ પરમારે ચકાસણી કરવા માટે ફરી એક વાર એક ડમી ફરિયાદીને શાહિબાગ પોલીસ સ્ટેશન મોકલ્યો હતો. ફરિયાદી આવતા સાથે જ પોલીસે કહ્યું, શું તકલીફ છે, ’તમારી સાથે પોલીસ ગાડી સાથે આવે છે અને તમે કહો તે રીતે ફરિયાદ લઇએ. બોલો શું સમસ્યા છે.’ ગુરુવારે શહેરના શાહિબાગ પોલીસ સ્ટેશનમાં બપોરે સુભાષબ્રીજ વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ નામના વ્યક્તિ શાહિબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પોલીસ સ્ટેશન આવી જાહેરાત કરી હતી કે, પડોશમાં રહેતો શખસ રોજ દારુ પીને આવે છે અને અમને તથા આસપાસના લોકોને પરેશાન કરે છે. ફરિયાદ રુમમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓએ ફરિયાદીને બાકડા પર બેસાડી પાણી પીવડાવ્યું હતુ. તેમની રજૂઆત સાંભળી તેમને પીઆઇ કે. ડી. જાડેજાને સાથે મુલાકાત કરાવી હતી. તેમની વિગતવાર ફરિયાદ લેવાના આદેશ કર્યા હતા. ફરિયાદ લખી તેમની સાથે પોલીસના માણસો ગાડી સાથે ઘટના બની હતી તે જગ્યા પર જઇ તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં ફરિયાદીએ પોતે સેક્ટર-2ના આઇજીના કહેવાથી ડમી ફરિયાદી બની આવ્યા હતા. જેથી પોલીસે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી.
- Advertisement -
શહેરના સેક્ટર-2ના આઇજી ગૌતમ પરમારે ગ્રાઉન્ટ રિયાલીટીની ચકાસણી કરી અને ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતાની સાથે જ તમામ પોલીસ સ્ટેશનોમાં પોલીસ એલર્ટ થઇ ગઇ હતી. કોઇ પણ અરજદાર આવે તો તેની સાથે શાંતિથી સારી રીતે વાત કરતા હતા અને તેમની ફરિયાદ લઇ લેતા હતા. આમ તેમની સાથે સારો વ્યવહાર થતાં અનેક સામાન્ય ફરિયાદીઓએ શહેરના સેક્ટર-2ના આઇજી ગૌતમ પરમારને કોલ કરીને આભાર માન્યો હતો. આમ અનેક લોકો ખુશ થતાં સેકટર-2ને પોતાની ફરજ સારી રીતે નિભાવી તેનો સંતોષ મેળવ્યો હતો.
નોંધનીય છે કે, અગાઉ પોલીસની ગેરવર્તણુંકની અનેક ફરિયાદોને પગલે સેક્ટર-2ના IG ગૌતમ પરમાર ગ્રાઉન્ડ રીયાલીટી તપાસવા માટે પોતે આમ આદમી બની મેદાને આવ્યા હતા. આઇજી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને પોતાની ભત્રીજી બનાવી નિકળ્યા હતા. પહેલા કાગડાપીઠ પોલીસ સ્ટેશન પહોચ્યા ત્યાં તેમણે પોતાની સ્કુટી ચોરીની વાત કરી ત્યારે પોલીસે કહ્યું, ’આસપાસ શોધી લો મળી જશે. ના મળે તો બે દિવસ પછી પાછા આવજો.’ તેથી તેમણે આ સ્કુટીમા પોતાનો પાસપોર્ટ હોવાની જાહેરાત પણ કરી હતી. ત્યારે આ પોલીસકર્મીઓ ગેરવર્તણુક કરી અને કહ્યું, તમારા પાસપોર્ટમાં કંઇ ગડબડી હશે તો તમને જ અરેસ્ટ કરવા પડશે. ત્યારે આમ આદમી બનીને આવેલા આઇજીએ કહ્યું કે, હું સેક્ટર-2 છું ત્યારે સામેથી પોલીસકર્મીએ કહ્યું કે, તમે સેક્ટર-2 હોય કે સેકટર-1 તમને અરેસ્ટ તો કરવા પડશે. આમ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પણ તેમને ખરાબ અનુભવ થયો હતો. આમ સેક્ટર-2 આઇજી ગૌતમ પરમારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને અમરાઇવાડી પોલીસ સ્ટેશનના બે-બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. જેથી સમગ્ર સેક્ટર-2 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આમ કડક કાર્યવાહીથી સામાન્ય લોકોની તકલીફો નિવારણમાં નવી પહેલ થઇ હતી.