ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લામાં સોમવારથી વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે ગત બપોરે બે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને જિલ્લાના પાંચ પૈકીનાં બે તાલુકામાં સારો વરસાદ થયેલ છે અને જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્લાના મોરબી તાલુકામાં સવા ત્રણ ઇંચ અને ટંકારા તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે જો કે, મોરબીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થતાની સાથે જ મોરબીના મુખ્યમાર્ગો પાણી જ પાણી થઈ ગયા હતા અને મોરબી પંથકમાં સારો વરસાદ પડ્યો હોય ખેડૂતોમાં હર્ષની લાગણી છે.
ખેડૂતો ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોતા હતા કારણ કે મોરબીની આસપાસના વિસ્તારમાં લગભગ બે લાખ હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતો દ્વારા ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર કરી દેવામાં આવી છે તેવામાં સોમવારે બપોરના બે વાગ્યાની આસપાસ થી મેઘરાજાનું વિવિધ રીતે મોરબી જિલ્લામાં આગમાન થયું હોય તે રીતે મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ ટંકારા તાલુકામાં વરસાદ શરૂ થયો હતો.
- Advertisement -
મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં મોરબી શહેર અને તાલુકામાં 80 એમએમ કરતાં વધુ વરસાદ એટલે કે સવા ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જો કે ટંકારા તાલુકામાં 48 એમએમ એટલે કે, એક ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે જો કે, મોરબી તાલુકામાં જિલ્લા કંટ્રોલરૂમ અને મોરબી નગરપાલિકા ખાતે વરસાદના આંકડાની નોંધ કરવામાં આવે છે અને મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ત્યારે આગોતરું વાવેતર કરનારા ખેડૂતોમાં આ વરસાદથી ખુશીનો માહોલ છે.
જિલ્લાના વાંકાનેરમાં પણ 27 મીમી એટલે કે 1 ઇંચથી વધુ પાણી પડયાની નોંધ થઇ છે. જો કે, પ્રથમ વરસાદમાં જ મોરબીના શનાળા રોડ, રવાપર રોડ, મહેન્દ્રપરા, માધાપરા, અરૂણદયનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને રાહદારીઓ, વાહન ચાલકો, વેપારીઓ સહિતના લોકોને પારાવાર મુશ્ર્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તંત્ર દ્વારા કરવામાં આવેલ પ્રિમોન્સૂન કામગીરીની પહેલા જ વરસાદમાં પોલ ખૂલી ગઈ હતી.