ખોટી દવાઓમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવતુ, ફુડ એન્ડ ડ્રગ્સમાંથી લાઇસન્સ રદ કરાશે, ફાર્મસી કાઉન્સિલ પણ લાઇસન્સ રદ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
હવે ગુજરાતમાં કોઈપણ દવાની દુકાન પર દવાઓમાં ડિસ્કાઉન્ટના બોર્ડ નહીં લગાવી શકે નહીં તો ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન લાયસન્સ રદ કરી દેશે. ખોટી દવાઓનું વેચાણ અટકાવવા નિર્ણય લીધો.
મળતી માહિતી મુજબ, ગુજરાતના તમામ મેડિકલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે, જો કોઈપણ દવાની દુકાન ધારક પોતાની દુકાન પર દવા પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એવું બોર્ડ લગાવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખે એક નિવેદન કરીને ગુજરાતના મેડિકલ સંચાલકોને કડક શબ્દોમાં કહ્યું છે કે, કોઈપણ વ્યકિત પોતાની દવાની દુકાન પર દવા પર ડિસ્કાઉન્ટ આપાવમાં આવશે એવું બોર્ડ નહીં મારી શકે અને જો કોઈ દુકાન ધારકે દુકાન પર ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવ્યું હશે તો કડક કાર્યવાહી થશે અને તેનું લાયસન્સ રદ કરવામાં આવશે.
વધુમાં ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, આવી કડક સુચના આપવાનું કરવાનું કારણ એ છે કે, બજારમાં ખોટી દવાઓમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરવામાં આવી રહ્યાં છે. એસો. ના ધ્યાને આ વાત આવતાં એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓસો. ના પ્રમુખે કહ્યું હતું કે, જો કોઈ દુકાન ધારક ડિસ્કાઉન્ટ આપે છે કે ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવશે તો, જે તે દુકાન ધારકનું ફૂડ એન્ડ ડ્રગ્સમાંથી લાઇસન્સ રદ કરવામાં આવશે અને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાંથી પણ દુકાન ધારકનું લાયસન્સ રદ કરવામાં આવશે.
તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ભારત નકલી દવાઓ પર ઝીરો ટોલરન્સ નીતિનુ પાલન કરે છે અને ભારતમાં બનેલ દૂષિત કફ સિરપને કારણે થયેલ મોતને લઈને ચિંતા વ્યક્ત કર્યા બાદ 71 કંપનીઓને કારણ દર્શક નોટિસ ફટકારી દેવામાં આવી છે. સાથે જ 18 કંપનીઓને બંધ કરી દેવા માટેની પણ નોટિસ ફટકારી દેવામાં આવી છે.
એક ઇંટરવ્યૂમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, દેશમાં ગુણવત્તા વાળી દવાઓના ઉત્પાદનને સુનિશ્ચિત કરવા માટે વ્યાપક-જોખમ આધારિત વિશ્લેષણ સતત કરવામાં આવે છે. સાથે જ સરકાર અને નિયામક હંમેશા તે સુનિશ્ચિત કરવા માટે સતર્ક રહે છે કે નકલી દવાઓથી કોઈનું પણ મોત ન થાય. તેમણે કહ્યું કે આપણે દુનિયાની ફાર્મસી છીએ અને આપણે સૌને આશ્વસ્ત કરવા માંગીએ છીએ કે આપણે દુનિયાની ‘ગુણવત્તા વાળી ફાર્મસી’ છીએ.