પોતાના મા-બાપ, બહેનોને શરમજનક સ્થિતિમાં મૂક્યા છે….ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ વિવાદોમાં મૂકાયેલા રણવીર અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટે ભારે ફટકાર લગાવી છે. જો કે, સુપ્રીમ કોર્ટે તેની ધરપકડ પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. તેમજ આ મામલે નવી કોઈ એફઆઈઆર નોંધવા પર પણ રોક મૂકી છે.
જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું કે, તમે જે શબ્દો પસંદ કર્યા, તેનાથી તમારા માતા-પિતા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હશે, બહેનો પણ શરમમાં મૂકાઈ હશે. આખો સમાજ શર્મિદગી અનુભવી રહ્યો છે. આ વિકૃત માનસિકતા છે. તમે લોકો સમક્ષ તમારી વિકૃતિ રજૂ કરી.
- Advertisement -
રણવીર અલ્હાબાદિયાના વકીલની એફઆઈઆર રદ કરવાની માગ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ અશ્લીલતા નથી તો શું છે? અમે તમારી વિરૂદ્ધ નોંધાયેલી એફઆઈઆર કેમ રદ કરીએ, જો કે, તમામ બાબતોને ધ્યાનમાં લેતાં કોર્ટે આ મામલે નવી એફઆઈઆર ન નોંધવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે રણવીરની ઝાટકણી કાઢી
સુપ્રીમ કોર્ટે રણવીરની ધરપકડ પર વચગાળાની રોક લગાવી રાહત તો આપી પરંતુ આકરી ઝાટકણી પણ કાઢી હતી. તેનો પાસપોર્ટ સરેન્ડર કરવા કહ્યું છે. તેમજ આ પ્રકારના શો રજૂ ન કરવાનો આદેશ પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મગજની ગંદકી અને વિકૃત વિચારસરણી છે. તમારી આ હરકતોના કારણે તમારા માતા-પિતા અને બહેનો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા છે.
- Advertisement -
ધમકીઓથી ડરવાની જરૂર નથીઃ સુપ્રીમ કોર્ટ
અલ્હાબાદિયાને મળી રહેલી ધમકીઓ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો તમે ચીપ પબ્લિસિટી માટે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરશો, તો અન્ય લોકો પણ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરશે અને જીભ કાપવાની ધમકીઓ આપશે. જસ્ટિસ એમ કોટિશ્વર સિંહે જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે, જો પોલીસ તમને પૂછપરછ માટે બોલાવે છે તો તે તમને સુરક્ષા પણ આપશે. જેથી તમારે ધમકીઓથી ડરવાની જરૂર નથી.
રણવીર અલ્હાબાદિયાએ માફી માંગી
રણવીરે યુટ્યુબ પર બીયર બાઈસેપ્સ નામની યુટ્યુબ ચેનલ પર આ વિવાદ બદલ માફી માગી હતી. પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના યુટ્યુબ પર એક કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે, કોમેડી શોના નામે તેણે કરેલી અભદ્ર વાતોનો વિડિયો વાઈરલ થતાં જ અલ્હાબાદિયા ચારે બાજુથી ઘેરાઈ ગયો હતો. જેના લીધે તેની પાસે બિનશરતી માફી માંગવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.