સુરતથી અયોધ્યા જતી ટ્રેન પર કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ટ્રેન પર સતત પથ્થરમારો થતાં મુસાફરોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. આ સમગ્ર બાબતે નંદુરબાર રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતથી અયોધ્યા જવા માટે આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે. જે ટ્રેન ગત રોજ સાંજે 8 વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી નીકળી હતી. જેના થોડા સમય બાદ તે નંદુરબાર નજીકથી રાત્રે 10.45 કલાકે પસાર થઈ હતી. તે દરમ્યાન કેટલાક અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો.
- Advertisement -
અચાનક ટ્રેન પર પથ્થરમારો થતા મુસાફરો ભયમાં મુકાયા
ત્યારે ટ્રેન પર સતત પથ્થરમારો થતા મુસાફરોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. કેટલાક યાત્રીઓએ પથ્થરોથી બચવા માટે બારીના કાચ પણ બંધ કરી દીધા હતા. તો કેટલાક પથ્થરો બારીના કાચ તોડી ટ્રેનની અંદર આવી ગયા હતા. ત્યારે સદનસીબે કોઈ મુસાફરને ઈજા થવા પામી ન હતી.
પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા જોતા તપાસ શરૂ કરી
આ સમગ્ર ઘટના બાબતે રેલવે પોલીસના એપીઆઈ રમેશ વાવરેએ જણાવ્યું હતું કે, ટ્રેનમાં બેઠેક એક મુસાફરે ફોન પર જણાવ્યું હતું કે, અમે ટ્રેનમાં બેઠા હતા ત્યારે અચાનક જ ટ્રેન પર પથ્થરો અથડાવવાનો જોર જોરથી અવાજ આવવા લાગ્યો હતો. ત્યારે અંધારૂ હોઈ પથ્થર કોણ મારી રહ્યું હતું તે કંઈ દેખાયું ન હતું. અને સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન ધીમી પડી હતી. આ બાબતે મુસાફરોએ ફરિયાદ કરતા નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. અને ઘટનાની ગંભીરતા જોતા તપાસ શરૂ કરી દીધી હતી.