સ્વામિનારાયણ v/s સનાતન મુદ્દે મોરારિબાપુના આકરાં પ્રહારો: ‘વડલો સનાતનનો કહેવાય અને ભીંડો ભાદરવાનો કહેવાય’ આ કહેવત કહીને મોરારિબાપુએ આડકતરી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ પર કટાક્ષ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુર ખાતે આવેલી હનુમાનજીની પ્રતિમા નીચે લગાવવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રો તો હટાવી લેવામાં આવ્યા છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મની વચ્ચે ચાલી રહેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યું. એક બાદ એક સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા સંત સનાતન ધર્મના દેવી-દેવતાઓ વિશે વિવાદિત ટિપ્પણી કરતા હોય તે પ્રકારના વીડિયો પણ હાલ સામે આવી રહ્યા છે. ત્યારે જાણીતા રામકથાકાર મોરારિબાપુનું પણ વ્યાસપીઠ ઉપરથી નિવેદન સામે આવ્યું છે.
- Advertisement -
વ્યાસપીઠ ઉપરથી સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વગર મોરારિબાપુએ આકરા પ્રહારો કર્યા હોવાનું પણ તેમની વાણી પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. મોરારિબાપુએ વ્યાસપીઠ ઉપરથી કહ્યું છે કે, ખ્રિસ્તી લોકો ધર્માંતરણ કરાવે છે જે યોગ્ય નથી. ઇસ્લામ ધર્મના કેટલાક કહેવાતા આતંકી તત્વો બીજાને કાફર કહીને કતલે આમ કરે છે જે પણ યોગ્ય નથી. પરંતુ આ બધું તો દેખાય છે. કેટલાક આપણામાં જ રહીને દાવો કરે છે કે, રામકૃષ્ણ- વેદ આદી છે જ નહીં. અમે જ છીએ.
તેમણે વધુમાં જણાવ્યુ કે, ક્યાં આપણો સનાતન ધર્મ કે, આપણા મહાદેવ કે આપણી જગદંબાક્યાં રામ અને કૃષ્ણ. મેં અમુક લોકોને ક્યારેય રામ મંદિરે આવતા જોયા નથી ત્યારે તમે શું એકતાની વાતો કરો છો. અમુક સંપ્રદાયના લોકો અયોધ્યાની બાજુમાંથી નીકળીને જાય છે તેમ છતાં રામજી મંદિરે દર્શન કરવા નથી જતા. ઉલ્લેખનીય છે કે, આડકતરી રીતે ભગવાન સ્વામીનારાયણ એટલે કે ઘનશ્ર્યામ પાંડેના જન્મસ્થાન છપૈયા ખાતે દર્શન કરવા જનારા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની વાત મોરારિબાપુએ કરી છે.
તો સાથે જ જણાવ્યું હતું કે, અમુક સંપ્રદાયના લોકો પહેલી વખત કાઠીયાવાડમાં આવ્યા ત્યારે કોઈ રોટલો પણ તેમને આપતું નહોતું ત્યારે રામજી મંદિરે તેમને ઓટલો આપ્યો હતો. વડલો સનાતનનો કહેવાય અને ભીંડો ભાદરવાનો કહેવાય આ કહેવત કહીને મોરારીબાપુએ આડકતરી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના કરવામાં આવી રહેલા બેફામ વાણી વિલાસ પર આકરા પ્રહારો કર્યા હતા.