ગેરકાયદે રેકેટ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા DGPએ જણાવ્યું
કબૂતરબાજીના ગુનાઓ અટકાવવા CID ક્રાઇમના વડાની રાજ્ય સ્તરના નોડલ અધિકારી તરીકે નિમણૂક
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ ગુજરાતવાસીઓને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે, વિદેશમાં જવાની લાલચ આપી કબુતરબાજી એજન્ટોથી દૂર રહો, અને ગેરકાયદેસર રેકેટ જણાય તો તુરંત પોલીસને જાણ કરો. તેમણે ગુજરાતમાંથી ગેરકાયદેસર વિદેશમાં ઘુસણખોરી, માનવ તસ્કરી અટકાવવા કડક પગલાં લેવા આદેશ આપ્યા છે. તેમજ કબૂતરબાજીના ગુનાઓ અટકાવવા સી.આઇ.ડી. ક્રાઇમના વડાને રાજ્ય સ્તરના નોડલ અધિકારી તરીકે નિમણુક આપી છે.
તાજેતરમાં જ એક ગુજરાતી પરિવારના ચાર સભ્યો કેનેડા અમેરિકાની સરહદે ગેરકાયદે ઘૂસણખોરી કરી રહ્યો હતો ત્યારે બરફમાં થીજી જતા ચારેયનું મોત થયું હતું. ઉપરાંત થોડા દિવસો પહેલા જ વિદેશમાં જવા ઈચ્છતા પરિવારોને કોલકાતામાં બંધક બનાવી રૂ.3 કરોડની ખંડણી પડાવી લેવાનું રેકેટ ઝડપાયું હતું. જેને લઈ પોલીસ સતર્ક થઈ છે. આ ગેરકાયદેસર રીતે વિદેશ જવું અત્યંત જોખમી છે, છતાં વિદેશમાં જવાની ઘેલછામાં લોકો જોખમી વિકલ્પો અપનાવે છે અને નકલી એજન્ટોની ચુંગાલમાં ફસાઇને કબુતરબાજીનો ભોગ બને છે. આવી ગેરકાયદેસર વિદેશ જવાની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા અને આવી ગુનાહીત પ્રવૃત્તિ સાથે સંકાળયેલ ઇસમો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા ડી.જી.પી. આશીષ ભાટિયાએ આદેશ આપ્યા છે.


