કાર્તિક મહેતા
29મી જૂન ભારતમાં સ્ટેટિસ્ટિક્સ ડે એટલે કે આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવામાં આવે છે : પ્રશાંતચંદ્ર માહલોનબીસ નામના એક ખ્યાતનામ ભારતીય આંકડાશાસ્ત્રીની જન્મતિથિને દિવસે એટલે કે 29મી જૂને.. ભારતની એક સંસ્થા જેની સ્થાપના આ મહલોનબીસ સાહેબે બ્રિટિશ સમયમાં કરેલી. આ સંસ્થાનું નામ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. જાણીતા નેતા સુબ્રહ્મણ્યન સ્વામીના પિતા આ આઈ એસ આઈના ડાયરેક્ટર રહયા હતા. આંકડાશાસ્ત્ર ગણિતનો એક એવો પ્રકાર છે જેના છેડા ગણિતના તમામ પ્રકારો સાથે અડે છે. ચાણક્ય રચિત અર્થશાસ્ત્રમાં સુચારુ શાસન વ્યવસ્થા સ્થાપન કરવા માટે આંકડાનું કલેક્શન કરવાની સલાહ જોવા મળે છે. પણ આ પછી ભારતમાં ડેટા કલેક્શન બાબતે કોઈ ખાસ કામ થયેલું દેખાતું નથી. બ્રિટિશરોએ ભારત સહીત તમામ દેશો ઉપર એકચક્રી શાસન કર્યું એનું કારણ એ હતું કે એમણે હમેશા ડેટાનું મહત્વ સમજ્યું. ડેટા ઇઝ ન્યુ ઓઇલ એવું મુકેશ અંબાણી તો હમણાં બોલ્યા પરંતુ ગોરાઓ તો આ વાતને સદીઓથી જાણતા આવ્યા છે. બ્રિટિશરોએ ભારતમાં વસ્તી ગણતરી શરુ કરાવી. એમણે ભારતનો પાકો નકશો બનાવવા ગ્રેટ ટ્રિગોનોમેટ્રીક સર્વે કરાવ્યો. એમણે ભારતમાં પશુધન અને જંગલ વિસ્તાર અને જૈવ વિવિધતા અંગેના આંકડાઓ પણ એકઠા કર્યા હતા. અરે , એ તો ઠીક અંગ્રેજોએ હેમ્પ સર્વે નામનો સર્વે કરાવ્યો હતો જેની હેઠળ ભારતમાં પ્રદેશ વાઈઝ ગાંજાનું સેવન કેટલી અને કેવી રીતે કરવામાં આવે છે એના આંકડાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. એમણે તો ભારતમાં લોકોના શરીરના અંગોના માપ પરથી લોકોની જાતિ નક્કી કરવા અંગે પણ સર્વે કરાવ્યો હતો.ભારતમાં બોલાતી ભાષાઓ, બોલીઓ , ભારતની જાતિઓ તમામ બાબતે એમણે પુષ્કળ ડેટા એકઠો કરેલો. આ ડેટા ઉપરથી તેઓ જે તે પ્રદેશમાં સુચારુ શાસન કરવાની નીતિ બનાવતા હતા. આંકડાઓ નો કેટલો “ખૂંખાર” ઉપયોગ થઇ શકે એનું એક ઉદાહરણ છે ભારતના ભાગલા. ચતુર અને કુટિલ અંગ્રેજોએ આંકડાઓ થકી જાણી લીધું કે ભારતમાં હિન્દૂ મુસ્લિમ વસ્તીનું પ્રમાણ કેવું છે.
- Advertisement -
એને આધારે એમણે છેક 1905માં બંગાળના ભાગલા કર્યા હતા !! આ ભાગલાનો વિરોધ પણ એટલો થયો છતાં આ ભાગલા કદી નાબૂદ થયા નહિ. આ ધર્મ આધારિત ભાગલાની થિયરીનું બીજું સ્ટેપ હતું પાકિસ્તાનનું સર્જન. કેમકે પૂર્વ બંગાળ અને અખન્ડ ભારતના વાયવ્ય ભાગમાં મુસ્લિમોં બહુમતીમાં હતા જેને કારણે ભાગલા કરવા બહુ સરળ કામ હતું. આંકડાઓનો ઉપયોગ ખુબ રચનાત્મક રીતે પણ એમણે કરી જાણ્યો. ઇજિપ્તની વિશાળ નદી નાઇલ ઉપર બંધ બાંધવા માટે અંગ્રેજ ગણિતશાસ્ત્રીઓ અને ઇજનેરો એ નાઇલ નદીને લાગતા આંકડાઓ વર્ષો સુધી એકઠા કર્યા. નાઇલ જેવી અત્યન્ત વિશાળ નદી ઉપર બંધ બાંધવો એક એન્જીનીયરીંગ ચેલેન્જ હતી. પણ ધીરજવાન અને બુદ્ધિમાન અંગ્રેજોએ આંકડાશાસ્ત્રની મદદથી આ પડકારને પૂરો કર્યો અને આસ્વાન બંધનું નિર્માણ કરાવ્યું. આસ્વાન બંધને લીધે નાઇલ નદીના પાણીથી ઇજિપ્તની મરુભૂમિ મબલખ ઉપજાઉ બની ગઈ. ભારતનું રેલવે નેટવર્ક પણ અંગ્રેજોએ કરાવેલા આંકડાકીય સર્વેની દેન છે. આંકડાશાસ્ત્ર આજની તારીખે પણ, યુવાનોની ભાષામાં કહીએ તો, સેક્સીએસ્ટ સાયન્સ છે. ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝ ના વિદ્યાર્થીઓ આંકડાશાસ્ત્ર ક્ષેત્રે કામ કરીને કરોડોના પેકેજીસ મેળવે છે. આર્તીફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી આંકડાશાસ્ત્ર ના પાયા ઉપર ઊભી થયેલી ટેકનોલોજી છે. આ ટેક્નોલોજીનું વાવાઝોડું એટલું ભયંકર છે કે એને કારણે વિશ્વનું ભવિષ્ય સદંતર બદલાઈ ગયું છે. રોબોટને લગતી અંગ્રેજી મુવિઝમાં જે બિહામણી આગાહીઓ કરવામાં આવેલી તે એક સમયે સાવ મજાક સમાન લાગતી હતી તે આજે વિકરાળ વાસ્તવિકતા લાગે છે અને લોકોને ડરાવી રહી છે. આંકડાશાસ્ત્ર એક જબરદસ્ત વિજ્ઞાન છે. આંકડાઓ કદી જૂઠ બોલતા નથી. એને કારણે આંકડાઓમાં સત્યુગને પૃથ્વી ઉપર પાછો લાવવાની શક્તિ છે એવું ધુરંધરો માને છે. પણ આંકડાઓમાં લોકોને ગુલામ બનાવવાની શક્તિ પણ છે જેનો ઉપયોગ કરીને મુઠ્ઠીભર અંગ્રેજોએ કરોડો લોકો ઉપર શાસન કર્યું. આશા રાખીએ કે આંકડાઓ પૃથ્વી ઉપર સ્વર્ગનું શાસન લાવે.