રૂપિયા 4 કરોડના ખર્ચે રિનોવેશન બાદ નવું નામ જોગાસર તળાવ આપ્યાના નિવેદનથી ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરમાં પૌરાણિક માનવામાં આવતા જોગાસર તળાવને નગરપાલિકા દ્વારા અંદાજિત ચારેક કરોડના ખર્ચે રિનોવેશન અને પાસે આવેલા ગાર્ડનમાં વિકાસ કાર્ય હાથ ધર્યું હતું જે અંગે ગત તા: 5 માર્ચના રોજ જોગાસર તળાવ અને ગાર્ડનને શહેરીજનો માટે ખુલ્લું મૂકવાના કાર્યક્રમ સાથે અન્ય 6.35 કરોડના શહેરી વિકાસ અને સ્વછતાના કામોનું ખાતમુહુર્ત કાર્યક્રમ દરમિયાન રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ કાર્યક્રમ દરમિયાન મંત્રીનું પ્રવચન શરૂ થતા જ ધ્રાંગધ્રા નગરપાલિકાની ટીમના કાર્યને બિરદાવ્યું હતું પરંતુ પોતાના વક્તવ્યમાં ભાંગરો વાટયો હતો. મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે “નગરપાલિકાની ટીમે તળાવનું રિનોવેશન કરી તેનું નવું નામ જોગાસર તળાવ રાખવામાં આવ્યું છે” પરંતુ મંત્રીને ખબર જ નથી કે વર્ષોથી આ તળાવનું નામ જોગાસર તળાવ જ હતું તેમા નવું શું કર્યું ? આ તરફ મંત્રીના નિવેદનથી સામે બેઠેલા શહેરીજનોમાં પણ “તળાવનું નવું નામ જોગાસર તળાવ રાખ્યું તો જૂનું નામ શું હતું ?” તેવા પ્રશ્નો સાથે હાસ્યપદ વાતાવરણ ઊભું થયું હતું આમ રાજ્ય કક્ષાના મંત્રી ધ્રાંગધ્રા શહેરમાં દશ કરોડના વિકાસના કામનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં ભાંગરો વાટયો હોવાની વીડિયો ક્લિપ પણ વાયરલ હતી જ્યારે મંત્રીના આ નિવેદનને લઈ વિપક્ષ દ્વારા પણ સોશિયલ મીડિયામાં મંત્રીના નિવેદન સામે પ્રશ્ન ઊભા કર્યા હતા.



