ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મહેસાણાના વડનગર ખાતેના SAG સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આજરોજ, 20 જુલાઈ, 2025 થી રાજ્યકક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ થઈ છે. આ ટુર્નામેન્ટમાંથી ગુજરાતની નેશનલ લેવલની ટીમનું સિલેક્શન પણ કરવામાં આવશે.
- Advertisement -
આ ટુર્નામેન્ટ 20 જુલાઈ, 2025 થી શરૂ થઈને 24 જુલાઈ, 2025 સુધી ચાલશે, જેની ફાઇનલ મેચ 24 જુલાઈ, 2025 ના રોજ રમાડવામાં આવશે. રાજ્યના 12 જિલ્લાની ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. આ તમામ જિલ્લાઓને 4 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાંથી ટોચની ટીમો વચ્ચે સેમી ફાઇનલ મેચ રમાશે અને ત્યારબાદ ફાઇનલ મેચ યોજાશે.
રમાયેલા મેચના પરિણામોમાં, રાજકોટની ટીમે પાટણની ટીમ પર 7-0 થી ભવ્ય વિજય મેળવ્યો હતો. રાજકોટની ટીમ માટે યાના પીપળીયાએ 2 ગોલ, મૈત્રી અસલાળિયાએ 2 ગોલ, આન્યા તલસણીયાએ 3 ગોલ અને જિનલે 1 ગોલ નોંધાવ્યો હતો. રાજકોટ ટીમના કોચ નીરલી લખુભાઈ ધેરૈયા છે અને મેનેજર વિરાબેન મોહનભાઈ સુરેજા છે.
ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણવંતભાઈ દેલાવાળા, બી.કે. જાડેજા, ડી.વી. મહેતા, સેક્રેટરી રોહિત બુંદેલા, જે.પી. બારડ, અજય ભટ્ટ, રાજેશ ચૌહાણ, અમૃતલાલ બૌરસી, રફેલ ડાભી, રોહિત પંડિત, શિવરાજસિંહ ચાવડા, સંજય પંડ્યા, દીપક યશવંતે, ઉપેન્દ્રસિંહ ઝાલા, અજય આચાર્ય, અમિત સિયાળિયા, ભરત સિયાળિયા, મનદીપ બારડ, આશિષ ગુરુંગ, પૃથ્વી જેઠવા વગેરેએ ટીમને શુભેચ્છાઓ પાઠવી છે. રમાયેલા અન્ય મેચોમાં જામનગર, અમદાવાદ અને બનાસકાંઠાની ટીમો વિજયી બની છે.