જૂનાગઢમાં રાજ્ય કક્ષાના 75મા પ્રજાસતાક પર્વ બે દિવસ ભવ્ય ઉજવણી
સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પોલીસ જવાનો હેરત અંગેજ કરતબો
- Advertisement -
આજે સાંજે ‘સોરઠ ધરા સોહામણી’ કાર્યક્રમ યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ 75માં પ્રજાસત્તાક પર્વે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે જૂનાગઢના રાષ્ટ્રવીર શ્રી છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.26ના રોજ સવારે 9 કલાકે ધ્વજ વંદન કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી સંદર્ભે વિગત આપતા જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, જુનાગઢ ખાતે યોજાનાર રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આપણા માટે ગૌરવની વાત છે. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિર્મિતે જૂનાગઢ શહેર રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ પર્વની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા એક મહિનાથી સતત કામગીરી કરી રહ્યું છે, રેવન્યુ, પોલીસ સહિત વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ રાજ્ય સરકારના માર્ગદર્શનમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ અપાયો છે. રાષ્ટ્રીય પર્વના સુચારું આયોજન માટે જુદી જુદી 20 કમિટીઓની રચના કરવામાં આવી છે.
આ પર્વ નિમિત્તે જૂનાગઢના આંગણે તારીખ 25 અને 26 ના રોજ વિવિધ કાર્યક્રમો યોજાશે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંજે 4:30 કલાકે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સાંજે 6:30 કલાકે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં 10 હજાર લોકો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 250 વધુ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે. સોરઠના ઇતિહાસ, સંસ્કૃતિને ઉજાગર કરતા ‘સોરઠ ધરા સોહામણી’ મુખ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મહેમાનો ઉપસ્થિત રહેશે.
તારીખ 26 ના રોજ સવારે 9:00 કલાકે રાષ્ટ્રવીર શ્રી છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત ધ્વજવંદન કરી વિવિધ પ્લાટૂનનું નિરીક્ષણ કરશે. પોલીસ દ્વારા અશ્વ શો, ડોગ શો વગેરે કાર્યક્રમ યોજાશે. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ પર જુનાગઢ શહેર તથા જિલ્લાના નાગરિકોને ઉપસ્થિત રહેવા રાજ્ય સરકાર વતી કલેકટરએ આમંત્રણ પાઠવ્યું છે.