સેન્ટ્રલ જેલનાં કર્મચારીઓ માટે જીમ, કેદીઓ માટે હીરા ઉદ્યોગ અને ખાતરનાં કમ્પોસ્ટ મશીનનું કર્યું લોકાર્પણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત રાજ્યની જેલોનાં વડા ડો. કે. એલ. એન. રાવ (ઈંઙજ) આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે મધ્યસ્થ જેલમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓ તેમજ તેમના પરીવાર માટે ફીટનેશ સેન્ટર(જીમ)નું લોકાર્પણ કર્યું હતું તો રાજકોટ મધ્યસ્થ જેલના બંદીવાનોને સ્વરોજગારી મળી રહે તે માટે ખોડલ ડાયમંડ રાજકોટના સહયોગથી જેલમાં હીરા ઉદ્યોગ તેમજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેની ગૌશાળા ખાતે ફૂડ વેસ્ટમાંથી ખાતર બનાવવા માટેનાં કમ્પોસ્ટ મશીનનું પણ લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શ્રીમતિ ડો.ઈન્દુ રાવ અને રાઘવ જૈન (ઈંઙજ) સહિતના હાજર રહ્યા હતા.
રાજ્યની જેલોનાં વડા ડો. કે. એલ. એન. રાવે આ તકે જણાવ્યું હતું કે, રાજકોટની સેન્ટ્રલ જેલમાં હીરા ઉદ્યોગ માટે ખોડલ ડાયમંડ રાજકોટના સહયોગથી હાલ 10 નંગ મશીન(ઘંટી) મૂકવામાં આવેલ છે તેમજ આવનાર સમયમાં વધુ 20 નંગ મશીન કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત જેલના રસોડામાંથી ઉત્પન થતો ફુડ વેસ્ટ તેમજ અન્ય પ્રકારના કચરામાંથી ખાતર બનાવવા માટે કમ્પોસ્ટ મશીન મૂકવામાં આવેલ છે. જેમાંથી ઉત્પન્ન થતું કમ્પોસ્ટ ખાતર જેલ વેચાણ કેન્દ્ર ખાતેથી જાહેર જનતા તેમજ કૃષિક્ષેત્રની સંસ્થાઓને વેચાણ કરવામાં આવશે. આ બંને માધ્યમો દ્વારા કેદીઓ જેલમાં રહીને રોજગારી મેળવી શકશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેલમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓ તેમજ તેમના પરીવારજનોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે ફીટનેસ સેન્ટર (જીમ)નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકારના જીમના સાધનો કાર્યરત કરવામાં આવ્યા છે.
જેનો લાભ જેલના કર્મચારીઓ તેમજ તેના પરિવારજનોને મળશે. આગામી સમયમાં રાજ્યની અન્ય જેલોમાં પણ આવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેમજ કેદીઓને વધુમાં વધુ રોજગારી મળે અને જેલમાંથી છૂટ્યા બાદ પણ તે પોતાનો વ્યવસાય કરીને સન્માનભર્યું જીવન જીવી શકે તેના માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.