ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ સ્ટેટ GST વિભાગ અને ગુજરાત ATS દ્વારા અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં બોગસ બિલિંગને લઇને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા રૂ. 85 કરોડની કરચોરી ઝડપાઇ છે.
ગુજરાતમાં વધુ એક વખત SGSTના બોગસ બિલિંગને લઇને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કૌભાંડને શોધવા ATS અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. SGSTએ રાજ્યમાં 115 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 85 કરોડની કરચોરી ઝડપાઈ છે.
- Advertisement -
કરચોરીમાં ખૂબ મોટાપાયે દસ્તાવેજ જપ્ત કરાયા
ATS અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખોટી રીતે આઈટીસી મેળવવાના કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કરચોરીમાં ખૂબ મોટાપાયે દસ્તાવેજ જપ્ત કરાયા છે. અમદાવાદમાંથી 14, વડોદરામાંથી 12, સુરતમાં 9, ભાવનગરમાં 3, ગાંધીધામમાં 2 અને રાજકોટમાં 1 સહિત 41 બોગસ પેઢીઓ ઝડપાઇ છે. આ બોગસ બિલિંગના કૌભાંડમાં ભાવનગર બોગસ બિલિંગનું એપી સેન્ટર ઊભરાઇ આવ્યું છે. જોકે તમને જણાવી દઇએ કે, આ સમગ્ર કૌભાંડની કડી CAની તપાસમાંથી મળી હતી.
દરોડા પાડતા કરચોરોમાં ભારે ફફડાટ ફેલાયો
- Advertisement -
SGSTની પ્રાથમિક તપાસમાં મેટલ, સ્ક્રેપ, કેમિકલ્સ, ફેરસ- નોન ફેરસ મેટલ, સળિયા વગેરે કોમોડિટીમાં બોગસ પેઢીઓ બનાવીને મોટી રકમના બિલો મારફતે જંગી રકમની ખોટી રીતે ઈન પુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવા અને પાસ ઓન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બોગસ બિલિંગ મારફતે કરોડોની કરચોરી કરનારા કૌભાંડીઓ પર સાગમટે દરોડા પાડવામાં આવતા કરચોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
SGST અને ATSની 90 જેટલી ટીમો દ્વારા રાજ્યના મુખ્ય શહેરોમાં શનિવારે વહેલી સવારથી જ 115 પેઢીઓના 2૦5 સ્થળે તપાસ હાથ ધરાઈ હતી અને આ કૌભાંડમાં સીધી અને આડકતરી રીતે સંડોવાયેલા 91 શખ્સોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. જેમાં ભાવનગરમાંથી 12 અને અમદાવાદમાં 24 શખ્સનો સમાવેશ થાય છે.