મહિલાઓ માટે બાગાયતી પાકોમાં મુલ્યવર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડનની તાલીમ યોજના
તાલીમ મેળવવા ઇચ્છુક મહિલાઓ માટે આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશનનો પ્રારંભ
જામ, જેલી, કેચપ, માર્માલેડ, નેકટર, અથાણા, મુરબ્બા જેવી વાનગી બનાવી ઘરઆંગણે
રોજગારીની ઉત્તમ તકો
રાજય સરકારના કૃષિ અને બાગાયત વિભાગ દ્વારા ખેડુત કલ્યાણની અનેકવિધ યોજનાઓ અમલી છે. ખેડુતો આ યોજનાઓનો લાભ મેળવી ખેતી વિસ્તરણ અને સંવર્ધન સાથે આર્થિક ઉત્કર્ષ સાધી રહયા છે. તેજ રીતે ગ્રામિણ ક્ષેત્રની મહિલાઓ અને શહેરી મહિલાઓ માટે પણ બાગાયત વિભાગ દ્વારા ખાસ મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાનને પ્રેરકબળ મળી રહે તેવા ખાસ તાલીમ વર્ગોનું આયોજન કરવાની યોજના અમલી બનાવવામાં આવી છે.
- Advertisement -
આ યોજના અંગે માહિતી આપતા નાયબ બાયાયત નિયામકશ્રી જી.જે.કાતરીયા જણાવે છે કે આ યેાજના અંતર્ગત હેઠળ મહિલાઓને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન જેમ કે શાકભાજી કે વિવિધ ફળોમાંથી જામ, જેલી, કેચપ, માર્માલેડ, નેકટર, અથાણા, મુરબ્બા જેવી વાનગી બનાવવી, કેનિંગ અને કિચન ગાર્ડન એટલે કે ઘર આંગણની ફાજલ જમીનમાં શાકભાજી, ફળ, ફુલના ઉછેર જેવી વિવિધ તાલીમ આપવામાં આવે છે. બે દિવસ (૧૪ કલાક) અને પાંચ દિવસ (૩૫ કલાક) ચાલતા આ તાલીમ વર્ગમાં ઓછામાં ઓછા ૨૦ અને વુધમાં વધુ ૫૦ મહિલાઓ તાલીમ મેળવી શકે છે. આ તાલીમ વર્ગમાં જોડાનાર તાલીમાર્થી બહેનોને પ્રતિદિન રૂા.૨૫૦/- સ્ટાઇપેન્ડ પણ ચુકવવામાં આવે છે. એટલું જ નહીં પણ આ તાલીમ બાદ તાલીમાર્થીને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવે છે. ઉપરાંત આ પ્રવૃત્તિમાં કોઇપણ મુશ્કેલી જણાય કે પ્રશ્નો ઉદભવે તો ફોન કે રૂબરૂ રજુઆત કર્યે બાગાયત વિભાગ દ્વારા ઘરે રૂબરૂ મુલાકાત લઇને નિવારક માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
રાજકોટના આ તાલીમના લાભાર્થી તાલીમાર્થી ગુલમ્હોર સોસાયટીના રહેવાસી કરિશ્માબહેન જણાવે છે કે આ તાલીમ દ્વારા ઘરબેઠા સીઝનલ ફ્રુટનો પલ્પ, જામ કે જેલી બનાવી તેનો આખા વર્ષ દરમિયાન ઉપયેાગ કરવાની, નાના જુથો બનાવી તેનો બિઝનેશ કરવાની તથા આ માટે જરૂરી લોન સહાય અને અન્ય માળખાકીય સુવિધાઓ મેળવવાની તમામ માહિતી આપવામાં આવી છે. મહિલાઓને ગૃહઉદ્યોગ ચલાવવા માટે અને આર્થિક ઉપાર્જન માટે આ તાલીમ ખુબ જ ઉપકારક અને ઉપયેાગી છે.
- Advertisement -
આ તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક મહિલાઓ આઇ ખેડૂત પોર્ટલ પર જઇ ઓનલાઇન અરજી મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઇપેન્ડ) ઘટકમાં તા. ૩૧-૦૧-૨૦૨૨ સુધી અરજી કરી શકશે. અરજી કર્યા બાદ અરજીની નકલ, સાથે બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક, આધારકાર્ડની નકલ અને રેશનકાર્ડની નકલ જેવા જરૂરી સાધનીક કાગળો સામેલ રાખી રૂબરૂ અથવા ટપાલમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨/૩ જિલ્લા સેવાસદન-૩, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટ (ફોનનંઃ ૦૨૮૧-૨૪૪૫૫૧૭) ના સરનામે વહેલા તે પહેલાના ધોરણે રજૂ કરવાના રહેશે.