બેફામ વાગતા ડીજે, સ્પીકરથી બોર્ડ-પરીક્ષા સહિતના ક્ષેત્રોમાં ખલેલ પહોંચતી હોવા છતાં અધિકારીઓ કોઇ પગલાં લેતા નહીં હોવાનું હાઇકોર્ટના ધ્યાને આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ધ્વનિ પ્રદૂષણને નાથવા અંગે ખુદ સુપ્રીમકોર્ટે 2005માં અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદા હોવા છતાં રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશનું સત્તાવાળાઓ દ્વારા આદેશનું પાલન નહીં કરવામાં આવતા કરવામાં આવેલી અદાલતના તિરસ્કારની અરજીની સુનાવણી બાદ જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ નીશા ઠાકોરની ખંડપીઠે રાજયના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી સંજીવ કુમાર, શહેર પોલીસ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, જીપીસીબીના મેમ્બર સેક્રેટરી સહિતના પક્ષકારો વિરુધ્ધ નોટિસ જારી કરી છે. હાઇકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન ટીકા કરતાં જણાવ્યું કે, ધ્વનિ પ્રદૂષણની સમસ્યા ગંભીર અને જનમાનસ પર અસર કરનારી છે.
અરજીમાં એવો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે, સાઉન્ડ લીમીટ વગરના લાઉડ સ્પીકર, ડીજે, વાંજિત્રોના વેચાણ કે ઉપયોગના કારણે ધ્વનિ પ્રદૂષણનું ભયંકર પબ્લીક ન્યુસન્સ સર્જાય છે, હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ ચાલી રહી છે. ત્યારે આ પ્રકારના ધ્વનિ પ્રદૂષણથી વિદ્યાર્થીઓ-ઉમેદવારોને ભરપાઇ ના થઇ શકે તવી ખલેલ પહોંચે છે તો, વૃધ્ષ, અશકત, બિમાર વ્યકિતઓ, મહિલાઓ, નવજાત શિશુઓથી લઇ નાના બાળકોને પણ ભયંકર માનસિક અને શારીરિક અસરો થઇ રહી છે ત્યારે આ અંગેના પ્રવર્તમાન કાયદા અને જોગવાઇઓની અમલવારીમાં નિષ્ફળતા દાખવવા બદલ સત્તાવાળાઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ.
કેસની વિગતો અનુસાર અરજદાર એડવોકેટ દ્વારા કરાયેલી અરજીમાં રજૂઆત કરાઇ હતી કે, ધ્વનિ પ્રદૂષણ મામલે વર્ષ 2022માં થયેલી જાહેરહિતની રિટ અરજીમાં હાઇકોર્ટે તા.4-3-2024ના રોજ શહેર પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિત સરકારના સત્તાવાળાઓને ઉદ્દેશીને હુકમ કરાયેલો છે પરંતુ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં તેનું પાલન જોઇએ તે પ્રકારે થઇ રહ્યું જ નથી.
ધ્વનિ પ્રદૂષણને નાથવા અંગે ખુદ સુપ્રીમકોર્ટે 2005ના એક મહત્ત્વના ચુકાદા મારફતે જરૃરી માર્ગદર્શિકા જારી કરી છે. તો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તા.3-12-2019ના જાહેરનામા અને માર્ગદર્શિકા ઉપરાંત, નોઇઝ પોલ્યુશન(રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ-2000ની રૃલ-5(3), એર(પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન)એકટ સહિતની જોગવાઇઓ માત્ર કાગળ પર જ રહી જાય છે. આ તમામ નિર્દેશો-માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે કડકાઇથી અસરકારક પાલન કરાવવામાં સરકાર, પોલીસ, મ્યુનિસિપલ કમિશનર સહિતના સંબંધિત સત્તાવાળાઓ નિષ્ફળ રહ્યા છે. આ સંજોગોમાં તેઓની વિરુધ્ધ ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટ અને બંધારણની કલમ-215 હેઠળ જરૂરી કાર્યવાહી કોર્ટે હાથ ધરવી જોઇએ.