ગુજરાતમાં એકવા પાર્કનું નિર્માણ કરવા અનુરોધ: કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રનીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાયન્સ સીટીમાં બે દિવસીય વર્લ્ડ ફિશરીઝ કોન્ફરન્સ
ખાસ-ખબર સંવાદદાતા
ગ્લોબલ શિરીઝ કોન્ફરન્સ દરમિયાન રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઇને ઘોલ (બ્લેકસ્પોટેડ ક્રોકર) માછલીને સ્ટેટ ફીશ તરીકે જાહેર કરી છે. પરિણામે માછીમારોની આવકમાં વૃદ્ધિ થશે. આ માછલી વૈજ્ઞાનિક રીતે પ્રોટોનિબિયા ડાયકાન્ચસ તરીકે ઓળખાય છે અને સામાન્ય રીતે કાળા ડાઘાવાળી હોય છે. ઔષધિય ગુણોનો કારણે આ માછલી પૂર્વ એશિયામાં પ્રતિષ્ઠિત બનેલી છે. આયોડિન, ઓમેગા-3, ડીએચએ, ઇપીએ, આયર્ન, ટૌરિન, મેગ્નેશિયમ, ફ્લોરાઇડ અને સેલેનિયમ જેવા તત્વો તેમાંથી મળે છે. રાજ્યના મુખ્યમંત્રીએ તેને સ્ટેટ ફીશ તરીકે જાહેર કરી છે.
કેન્દ્રીય મંત્રીની હાજરીમાં સાયન્સ સિટી ખાતે બે દિવસની વર્લ્ડ ફિશરીઝ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5000થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉદ્દઘાટન પ્રસંગે કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ-વ્યવસાયકારો, માછીમારો એક્સપોર્ટ્સ, પ્રોસેસર્સ, પોલીસી મેકર્સ, લોજિસ્ટિક સાથે સંકળાયેલા લોકો માટે પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું કે, દેશના વિવિધ રાજ્યોએ તેમની સ્ટેટ ફીશ જાહેર કરી છે તેવી રીતે ગુજરાતે પણ ઘોલ માછલીને સ્ટેટ ફીશ તરીકે જાહેર કરી છે તેથી માછીમારોને તેના ઉચિત દામ મળતા થશે.
દેશના ફીશ એક્સપોર્ટમાં ગુજરાતનો હિસ્સો 17% છે. રાજ્યના મત્સ્યોધોગ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના કોઈ માછીમારો ભૂલથી સમુદ્રસીમા ક્રોસ કરે છે અને પકડાય છે ત્યારે તેમના પરિવારોને સરકાર વતી 3000ની આર્થિક સહાય આપવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં 1747 માછીમારોના પરિવારોને સરકારે 17.95 કરોડની સહાય ચૂકવી છે. કેન્દ્ર સરકારની સહાયથી 2023-24ના વર્ષમાં 482 માછીમારો પાકિસ્તાનથી વતન પાછા ફર્યા છે. રાજ્ય સરકારે કેન્દ્રને અપીલ કરી છે કે પાકિસ્તાન દ્વારા પકડાયેલા 185 માછીમારો અને તેમની બોટને ઝડપથી છોડાવવા માટે દરમ્યાનગીરી કરે. ગુજરાતમાં એક્વા પાર્કનું નિર્માણ કરવા પણ કેન્દ્રને કહેવાયું છે.
ઔષધીય ગુણોથી પૂર્વ એશિયામાં પ્રતિષ્ઠિત ‘ઘોલ’ માછલીને સ્ટેટ ફિશ જાહેર કરતી રાજ્ય સરકાર



