ફેડરેશન અમેરિકન સાયન્ટિસ્ટના રિપોર્ટમાં ઘટસ્ફોટ
કહુટા અને ગડવાલમાં પરમાણુ બોમ્બની સામગ્રીના ઉત્પાદન માટે બની રહેલા પ્લાન્ટ પૂરા થવાની તૈયારીમાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનનું અર્થતંત્ર અત્યારે એકદમ કંગાળ હાલતમાં છે. લોકોને ખાવાના પણ ફાંફા પડી ગયા છે. દેશમાં ઠેરઠેર મોંઘવારી વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. પેટ્રોલનો ભાવ રૂૂ. 300ને પાર થઈ ગયો છે. આ ગંભીર આર્થિક સંકટ છતાં પાકિસ્તાન સતત તેના પરમાણુ શસ્ત્રોની સંખ્યા વધારી રહ્યું છે. ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટે ખુલાસો કર્યો છે કે પાકિસ્તાન સતત તેના પરમાણુ હથિયારોનો જથ્થો વધારી રહ્યો છે અને તેના વોરહેડની સંખ્યા પણ વધારી રહ્યું છે. પાકિસ્તાન પાસે હાલ 170 જેટલા પરમાણુ હથિયાર છે.
પાકિસ્તાનના પરમાણુ વોરહેડની સંખ્યા ભારત કરતાં પણ વધુ છે. અમેરિકન વૈજ્ઞાાનિકો એલિયાના જોન્સ અને મેટ કોર્ડાએ સેટેલાઈટ તસવીરોના આધારે જણાવ્યું કે પાકિસ્તાની સૈન્ય અને હવાઈ દળના ઠેકાણા પર નવા લોન્ચર અને સુવિધાઓ બનાવવામાં આવી રહી છે, જે પાકિસ્તાનના પરમાણુ દળો માટે છે. પાકિસ્તાન અત્યારે રેડિયોધર્મી પદાર્થ બનાવી રહ્યું છે, જેનાથી દર વર્ષે 14થી 27 જેટલા પરમાણુ બોમ્બ બનાવી શકાય છે.
મેટ કોર્ડાએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન પાસે એકંદરે સમાન માત્રામાં પરમાણુ હથિયારો છે, પરંતુ બંનેની સ્થિતિ ઘણી અલગ છે.પાકિસ્તાને તેના પરમાણુ હથિયારોની સ્થિતિ એવી રાખી છે જેથી તે કોઈપણ ઘર્ષણની શરૂૂઆતમાં તેનો ઉપયોગ કરી શકે જ્યારે ભારતે તેના પરમાણુ હથિયારોની સ્થિતિ એવી રાખી છે કે તે પાકિસ્તાન અને ચીન બંને વિરુદ્ધ તેનો ઉપયોગ કરી શકે. ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાનના કહુટા અને ગડવાલમાં પરમાણુ બોમ્બની સામગ્રીના ઉત્પાદન માટે બનાવાઈ રહેલા પ્લાન્ટ પૂરા થવાની તૈયારી છે. રિપોર્ટમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ખુશાબથી લગભગ 33 કિ.મી. દક્ષિણે ખુશાબ કોમ્પ્લેક્સમાં નવા બનાવાયેલા ચાર હેવી વોટર પ્લુટોનિયમ ઉત્પાદન રિએક્ટરની ઓળખ કરાઈ છે. સેટેલાઈટ તસવીરોથી ખ્યાલ આવે છે કે ઈસ્લામાબાદની પૂર્વમાં નિલોર અને ચશ્ર્મા કોમ્પ્લેક્સમાં ન્યૂ લેબ્સ રીપ્રોસેસિંગ પ્લાન્ટનો વિસ્તાર થયો છે. આ પ્લાન્ટ ઉપયોગમાં લેવાયેલા ઈંધણને રીપ્રોસેસ કરે છે અને પ્લૂટોનિયમ કાઢે છે.
સેટેલાઈટ તસવીરોથી ખ્યાલ આવે છે કે ઈસ્લામાબાદની પશ્ર્ચિમમાં કાલા ચિત્ત દાહર પર્વતમાં પાકિસ્તાન તેના પરમાણુ મિસાઈલો અને તેના મોબાઈલ લોન્ચરોનો વિસ્તાર કરી રહ્યું છે. સેટેલાઈટ તસવીરોમાં વિવિધ પ્રકારની બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઈલો માટે રોડ-મોબાઈલ ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લોન્ચર પણ જોવા મળે છે. પાકિસ્તાને જૂનમાં બતાવ્યું હતું કે, આ લોન્ચર મારફત નસ્ર, શાહીન- આઈએ બેલિસ્ટિક મિસાઈલો અને બાબર ક્રૂઝ મિસાઈલો લોન્ચ કરી શકાય છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પાકિસ્તાનમાં ઓછામાં ઓછા પાંચ સ્થળો પર પરમાણુ મિસાઈલો છે, જે પાકિસ્તાની પરમાણુ દળો માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ બેઝમાં અક્રો ગેરિસન, ગુજરાંવાલા, ખુજદાર, પાનો અકીલ, સરગોધાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં સતત વધતા પરમાણુ હથિયારોનો જથ્થો માત્ર ભારત માટે જ નહીં પરંતુ દુનિયા માટે પણ ચિંતાની બાબત છે. અમેરિકન પ્રમુખ બાઈડેનના જણાવ્યા મુજબ પાકિસ્તાન દુનિયાના સૌથી ખતરનાક દેશોમાંનો એક છે.