રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ખંડણી ઉઘરાવાતી હતી, હવાલા-કબાડાં થતાં હતાં, લોકોને બે-બે ત્રણ-ત્રણ દિવસ સુધી અટકાયત કે ધરપકડ વગર લોકોને પૂરી રાખવામાં આવ્યા, તેમને ઢોરમાર મારવામાં આવ્યો અને તેમનાં માલ-મિલકત પડાવી લેવાયા: ક્યારેક તો પાપની બેડલી બૂડે છે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
આજે ક્રાઈમ બ્રાન્ચમાં ગંગાજળનો અને ગૌમૂત્રનો છંટકાવ કરીને પછી સત્યનારાયણની કથા થવી જોઈએ. આ ઑફિસનાં વાતાવરણમાં અનેક નિર્દોષોની ચીસો, કારમી વેદના, વ્યથા અને ભયાનક હાય હજુ ઘૂમી રહી છે. જગ્યા જ અપવિત્ર, દૂષિત થઈ ગઈ છે. જાણે કોઈ કતલખાનાની જમીન હોય કે કબ્રસ્તાન હોય. અહીં અનેક લોકોની સંપત્તિ લૂંટી લેવામાં આવી છે, સાટાખત રદ્દ કરાવવા અને ખોટાં હસ્તાક્ષરો લેવા અહીં લોકોને ઢોરમાર મારવામાં આવ્યો છે. ફરિયાદીને અહીં આરોપી બનાવી દેવાયા છે અને આરોપીને વી.વી.આઈ.પી. ટ્રીટમેન્ટ મળી છે. છેલ્લાં અનેક વર્ષોમાં અહીંયા આવી જ રીતે કામગીરી ચાલી છે.
ગુજરાતનો ક્યા પોલીસ અધિકારી પૈસા નથી બનાવતો? આંગળીનાં વેઢે ગણી શકાય એટલાં અધિકારીઓ જ પ્રામાણિક છે. પરંતુ લાંચ લેવી અને ખંડણી ઉઘરાવવી એ બેઉ સાવ અલગ બાબત છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ખંડણી ઉઘરાવાતી હતી, હવાલા-કબાડાં થતાં હતાં. લોકોને બે-બે ત્રણ-ત્રણ દિવસ સુધી અટકાયત કે ધરપકડ વગર લોકોને પૂરી રાખવામાં આવ્યા, તેમને ઢોરમાર મારવામાં આવ્યો અને તેમનાં માલ-મિલકત પડાવી લેવાયા. ક્યારેક તો પાપની બેડલી બૂડે છે. આવું બધું લાંબો સમય ચાલતું નથી. છતાં બહુ લાંબા સમય સુધી ચાલ્યું. અખબારોએ ખૂબ લખ્યું, ગાંધીનગર સુધી અનેક લોકોએ ફરિયાદો પહોંચાડી. કશું વળ્યું નહીં. જાણે આવું બધું કરવાનો પીળો પરવાનો મળી ગયો હોય તેવી સ્થિતિ હતી.
સદ્ભાગ્યે બધું વાજતેગાજતે બહાર આવ્યું. જવાબદાર અધિકારીઓને રજા અપાઈ અને બધું પાટે ચડી રહ્યું હતું ત્યાં ભાવના કડછા અને દેવા ધરજીયાએ ક્રાઈમ બ્રાન્ચની આબરૂનાં ફરી એક વખત ધજાગરાં કર્યા. ઈન્ચાર્જ કમિશનર ખુર્શીદ અહેમદે કડક અભિગમ દર્શાવતાં એક ઉત્તમ પગલું ભર્યું છે. ક્રાઈમ બ્રાન્ચનાં અનેક કર્મીઓ રીતસર પેધાં પડી ગયા હતાં. આ બધી એવી આઈટમ છે કે, પોસ્ટ મામૂલી છે અને આળોટે છે કરોડોમાં. કોઈ ફોર્ચ્યુનર ફેરવે છે તો કોઈ ક્રેટા. આલીશાન બંગલાઓ છે તેમની પાસે. આ બધાંની બદલી થઈ એ સારું જ થયું પરંતુ આમાંથી ઘણાંની વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતની તપાસ થવી પણ જરૂરી છે.


