ભારતમાં કસ્ટમરના હકોની બાબતમાં હજુ જોઈએ તેવી જાગૃતિ નથી પરંતુ અમેરિકામાં એવું નથી. ત્યાં તો નાની-નાની બાબતોમાં કસ્ટમર કેસ કરી દેતા હોય છે અને તેના કારણે મોટી કંપનીઓ હોય કે નાના સ્ટોલવાળા દરેક કસ્ટમરના કમ્ફર્ટ અને તેમની સુરક્ષાનું ઘણું ધ્યાન રાખે છે અને અમેરિકાના કાયદા પણ એવા છે કે, કસ્ટમરની ફરિયાદ જેન્યુઅન હોય તો ગમે તેવી મોટી કંપનીને પણ વળતર ચૂકવવું પડે છે.
અમેરિકાના કડક કાયદાનો પરચો મલ્ટીનેશનલ કોફી ચેઈન સ્ટારબક્સને પણ થઈ ગયો છે. અમેરિકાની એક કોર્ટે સ્ટારબક્સને એક ડિલિવરી ડ્રાઈવરને 50 મિલિયન ડોલરનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ડ્રાઈવરે લોસ એન્જલસમાં સ્ટારબક્સના એક આઉટલેટ પર ચાનો ઓર્ડર આપ્યો હતો. તેનો આરોપ છે કે, ચાનું ઢાંકણું બરાબર રીતે બંધ ન હતું એટલે ચા તેના ખોળામાં પડી હતી. તેનાથી તે ગંભીર રીતે દાઝી ગયો હતો. ગરમ ચા પડતાં તેના ગુપ્તાંગોને કાયમી નુકસાન થયું છે અને નસોને પણ અસર થઈ છે. ફેબ્રુઆરી 8, 2020એ બનેલી આ ઘટના બાબતે ડ્રાઈવરે પોતાની ફરિયાદમાં સ્ટારબક્સ પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. એક લોસ એન્જલસ કાઉન્ટી જ્યુરીએ સ્ટારબક્સને 50 મિલિયન ડોલર માઈકલ ગાર્સિયા નામના ડ્રાઈવરને ચૂકવવા આદેશ આપ્યો છે.