શુક્લ કોલેજ ગ્રુપ દ્વારા ગણપતિ વિસર્જનનું આયોજન દરમિયાન બનેલી ઘટના
ખાસ-ખબર સંવાદદાતા
સોશિયલ મીડિયામાં ફોલઅર્સ વધારવા માટે યુવાનો અવનવા કરતબો કરતા હોય છે, ક્યારેક તો એવા ખેલ કરવામાં આવે છે જેમાં ખેલ કરનારની તો જિંદગી જોખમાય છે પરંતુ તેની પાસેથી પસાર થતા લોકો પર જોખમ ઝળુંબવા લાગે છે, આવો જ વધુ એક વીડિયો ફરતો થયો હતો, જેમાં રાજકોટના રેસકોર્સ રીંગ રોડ પર ગણેશ વિસર્જન માટે નીકળેલા યુવાનો પૈકી બે યુવાનોએ ચાલુ મોપેડ ઊભા ઊભા હાથ ઉંચા કરી રોફ જમાવ્યો હતો. જો કે આ અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
- Advertisement -
રાજકોટનો રેસકોર્સ રીંગ રોડ જોખમી સ્ટંટ કરવા માટેનું મુખ્ય કેન્દ્ર સ્થાન હોય તેમ અવારનવાર આ રસ્તા પર યુવાનો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે જિંદગી જોખમમાં મૂકી જોખમી સ્ટંટ કરતા નજરે પડતા હોય છે.ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે. ગઈકાલે એચ.એન. શુક્લ કોલેજ ગ્રુપ દ્વારા ગણપતિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિસર્જન સમયે જતા મોટી સંખ્યામાં યુવાનો રેલી સ્વરૂપે જોડાયા હતા. તે પૈકી બે યુવાનો ઉત્સાહમાં આવી મોપેડ પર ઉભા રહી જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા.