રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળી, પ્રજાને રાહત આપતો નિર્ણય
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં મ્યુ. કમિશ્નર દ્વારા પ્રદ્યુમન પાર્ક, રામવન, એથ્લેટીક્સ ટ્રેક સહિતનાં સ્થળે તોતીંગ ભાવવધારો કરવાની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જોકે, સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પ્રજાને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને ભાવ વધારા અંગેની તમામ દરખાસ્તો નામંજૂર કરવામાં આવતા હવે જૂનો ભાવ યથાવત રહેશે.
સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા મુજબ આજની બેઠકમાં કુલ 63 જેટલી દરખાસ્તો આવી હતી. જે પૈકી બે દરખાસ્તો નામંજૂર કરવામાં આવી છે. અને બાકીની રૂ. 48 કરોડથી વધુના વિકાસ કામોની 61 દરખાસ્તો મંજુર કરવામાં આવી છે. આ સાથે એથ્લેટીક્સ ટ્રેક, પ્રદ્યુમન પાર્ક, રામવન સહિતના સ્થળ માટે મોટો ભાવ વધારો સૂચવવામાં આવ્યો હતો પરંતુ, પ્રજાને બોજો વધે નહીં તે માટે તમામ ભાવ વધારાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવ્યો છે.
પ્રદ્યુમન પાર્કમાં માત્ર વિદેશથી આવતા લોકો માટેનાં દર રૂ. 80થી વધારીને રૂ. 100 કરવામાં આવ્યા છે. આ સિવાય કોઈ ભાવવધારો થયો નથી. નામંજૂર થયેલી દરખાસ્તો અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, વોર્ડ નંબર-5માં સ્કૂલ બનાવવાનું કામ હતું. આ કામમાં 32% જેવો ભાવવધારો યોગ્ય નહીં લાગતા આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી જ્યારે મવડીમાં 1500-1600 વાર જગ્યામાં પેટ્રોલ પંપ બનાવવા માટેની દરખાસ્તમાં જમીનનો ભાવ 60,000 ઓછો લાગતા આ દરખાસ્ત પણ નામંજૂર કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોના ખર્ચે લોકોને પૂરી પાડવામાં આવતી જુદી-જુદી સુવિધાઓ, પ્રદ્યુમન પાર્ક અને રામવન જેવા જાહેર સ્થળોની ફીમાં તોતીંગ વધારાની ટાઢ ઉડાડી નાખે તેવી દરખાસ્ત સ્ટે. કમિટીને મોકલાવામાં આવી હતી. જેમાં પ્રદ્યુમન પાર્કની પ્રવેશ ફી ડબલ, એથ્લેટીક ટ્રેકની ફીમાં 100%થી વધુ વધારો, સ્વીમીંગ પુલમાં ત્રણ ગણા સુધી, તેમજ જીમમાં 500 ટકા જેટલો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જોકે, શાસકો દ્વારા પ્રસ્તાવિત વધારો મંજૂર નહીં કરીને જૂના ભાવો યથાવત રાખવામાં આવતા લોકોને રાહત થશે.