રાજકોટ મનપાનું બજેટ અમલીકરણ
ચેરમેન જયમીન ઠાકર દ્વારા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક, દિવાળી પહેલાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2024-25 અને ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાયેલી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવા આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને તમામ શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બજેટમાં મંજૂર થયેલા અને સૂચવેલા કામો કયા તબક્કે છે અને ક્યારે પૂર્ણ થશે તેની વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી. અધિકારીઓએ રજૂ કરેલી માહિતી મુજબ, ગત નાણાકીય વર્ષ 2024-25ના અંદાજપત્રમાં સ્ટેન્ડિંગ કમિટીએ ઉમેરેલી મોટાભાગની નવી યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે અને તેનું અમલીકરણ શરૂ થઈ ગયું છે, જે બદલ ચેરમેન ઠાકરે સંબંધિત અધિકારીઓને બિરદાવ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષ 2025-26ની નવી યોજનાઓના અમલીકરણના સ્ટેટસ અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. કેટલીક યોજનાઓનું અમલીકરણ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે અમુક યોજનાઓ એસ્ટીમેટ, ટેન્ડરિંગ અથવા દરખાસ્ત સ્તરે વહીવટી પ્રક્રિયા હેઠળ છે. ચેરમેન જયમીન ઠાકરે તમામ અધિકારીઓને આગામી દિવાળી પહેલાં જ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવા પ્રયાસો કરવા સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બજેટમાં નક્કી કરવામાં આવેલી કોઈપણ યોજના માત્ર કાગળ પર ન રહે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં પણ બજેટમાં મંજૂર થયેલા કામોની સમીક્ષા અને નવી યોજનાઓના સમયબદ્ધ અમલીકરણ માટે સમયાંતરે બેઠકો યોજાતી રહેશે. આ બેઠકમાં નાયબ કમિશનરો મનીષ ગુરવાની, સી.કે. નંદાણી, એચ.આર. પટેલ, ડેપ્યુટી કલેક્ટર કિર્તન રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને બજેટ યોજનાના અમલીકરણ સંદર્ભે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી.
બેઠકમાં કેટલીક મહત્ત્વપૂર્ણ યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો:
કાલાવડ રોડ પર ઓક્સિજન પાર્ક બનાવવાની યોજના.
ત્રણેય ઝોનમાં આવેલા 93 ટીપી પ્લોટ લીઝ પર આપીને ₹700 કરોડની આવક મેળવવાની મહત્ત્વકાંક્ષી યોજના.
માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન ભાડે આપવા માટેની પોલિસી તૈયાર થઈ ગયાનું જણાવાયું.
શહેરના રાજમાર્ગો વારંવાર તૂટવાની સમસ્યા દૂર કરવા માટે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવા જુદા જુદા માર્ગોનો સર્વે કરવા અધિકારીઓને સૂચના અપાઈ.
અટલ સરોવરમાં બનાવવામાં આવેલી મનપાની 43 દુકાનોની જાહેર હરાજી કરીને આવક ઊભી કરવા પણ સૂચના અપાઈ.