લાખો વાહનચાલકો માટે રાહતનાં સમાચાર : સાંઢિયા પુલની 70%થી વધુ કામગીરી પૂર્ણ
કુલ 120 ગડર પૈકી 84 ગડર મુકાઇ ગયા છે, હાલ સ્લેબ ભરવાની કામગીરી ચાલુ છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટનાં જામનગર રોડ ઉપર સાંઢિયા પુલનાં સ્થળે નવો ફોરલેન બ્રીજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સાંઢીયો પુલ જર્જરિત થતા રેલવે સાથે વાત કરી મંજૂરી મેળવ્યા બાદ જુના પુલને ડિસમેન્ટલ કરીને નવો ફોરલેન બ્રીજ રૂ. 62.5 કરોડના ખર્ચે ઉભો કરવામાં આવી રહ્યો છે. જેમાં કુલ 120 ગડર પૈકી 84 ગડર મુકવામાં આવી ચુક્યા છે. અને હાલ સ્લેબ ભરવા સહિતની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
ત્યારે જાન્યુઆરીનાં અંત સુધીમાં આ કામ પૂર્ણ કરવાનો દાવો સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કર્યો છે. આ ફોરલેન બ્રીજ બનતા જામનગર રોડના વિવિધ વિસ્તારોમાં રહેતા લાખો વાહન ચાલકોને તેનો લાભ મળશે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા અનુસાર સાંઢીયા પુલની કામગીરી અવિરતપણે ચાલી રહી છે. જેમાં પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન અને પાઈપ લાઈન નાખવાની કામગીરી પણ સમાંતર ચાલી રહી છે, જેથી પાણી ભરાવાના પ્રશ્નો ઉભા ન થાય. અગાઉ પિલર ભરવા માટે 2.50 મીટરનું ફાઉન્ડેશન ખોદવામાં આવ્યું હતું, જે વરસાદમાં પણ સુરક્ષિત રહે તેની ખાતરી કરી લેવામાં આવી છે. હાલ આ પ્રોજેકટનું 70 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
આ બ્રીજ માર્ચ 2026 સુધીમાં પૂરો કરવાનો હતો. જેને બદલે ઝડપી કામગીરી ચાલી રહી હોવાથી જાન્યુઆરીનાં અંત સુધીમાં કામ પૂર્ણ કરી અને ફેબ્રુઆરીમાં લોકો માટે આ બ્રીજ ખુલ્લો મુકવામાં આવે તેવી પૂરતી શક્યતા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા રાજકોટનાં જામનગર રોડ પર આવેલી 50 કરતા વધુ સોસાયટીઓમાં રહેતા લાખો વાહન ચાલકોને તેનો લાભ મળશે. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 18 મહિનાનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો છે. રાજકોટ મનપા દ્વારા આ કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા માટે પહેલાથી જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર ભોમેશ્વર પાસે આવેલા 40 વર્ષથી વધુ જૂના સાંઢિયા પુલના સ્થાને રૂ. 62.5 કરોડ રૂપિયાના ખર્ચે ફોર લેન ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં સૌથી મહત્વનો પડકાર રેલવે ટ્રેક પરના ભાગને તોડવાનો હતો. કારણ કે આ કામગીરી દરમિયાન રેલવે વ્યવહારને નુકસાન ન થાય અને સલામતી જળવાઈ રહે તે અત્યંત જરૂરી હતું. મનપા દ્વારા ત્રણ મહિનાની સઘન મથામણ અને વિવિધ ટેકનિકલ પ્રસ્તાવો રજૂ કર્યા બાદ અંતે રેલવેની મંજૂરી મળી હતી. અને રેલવે ટ્રેક પરનો ભાગ તોડવા માટે ’ડાયમંડ કટિંગ ટેકનોલોજી’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રાજકોટ-જામનગર રોડ પર ટ્રાફિકની અવરજવરને સરળ બનાવશે
નવો સાંઢિયા ફોર લેન બ્રિજ અત્યાધુનિક ડિઝાઈન અને ટેકનોલોજીથી બનશે. તેની ઊંચાઈ 6.25 મીટર અને પહોળાઈ 16.40 મીટર (ફોર લેન) હશે, જે ભવિષ્યની વાહનવ્યવહારની જરૂરિયાતોને ધ્યાને લઈ બનાવવામાં આવી રહ્યો છે. માધાપર ચોકડી તરફ તેની લંબાઈ 298 મીટર અને હોસ્પિટલ ચોક તરફ પણ 298 મીટર હશે. રેલવે ટ્રેક ઉપરનો સ્પાન 36 મીટરનો રહેશે, જે રેલવેના માર્ગદર્શન મુજબ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ફોર લેન બ્રિજ બનવાથી રાજકોટના લાખો વાહનચાલકોને ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. આ પુલ રાજકોટ-જામનગર રોડ પર ટ્રાફિકની અવરજવરને સરળ બનાવશે અને પ્રવાસનો સમય ઘટાડશે.



