ઈશાન ખૂણામાં રહેલ રસોડું કારણ વગરનાં નાના-મોટાં આર્થિક ખર્ચ આપતું રહે છે
બાંધકામ દરમિયાન શાસ્ત્રોના નિયમોનું ઉલ્લંઘન ન કરી વાસ્તુસંગત બાંધકામ કરીએ તો સારી ઊર્જાનો સરળતાથી લાભ મેળવી શકીએ
- Advertisement -
વાસ્તુ લેખમાળાના ગયા અંકમાં આપણે ઈશાન ખૂણા વિશે વાત કરી હતી અને ક્યા પ્રકારનું બાંધકામ કે ગોઠવણી ઈશાન ખૂણા માટે સાનુકૂળ છે તે વિશે વિગતવાર ચર્ચા કરી હતી. આજના આ અંકમાં આપણે સમજીએ કે ઈશાન ખૂણામાં ક્યા પ્રકારનું બાંધકામ નથી કરવાનું, અને જો કરવામાં આવે છે તો તે ક્યા પ્રકારની સમસ્યાઓ આપી શકે છે?
માળિયું અથવા મેઝેનાઈન ફ્લોર
આપણે સૌ જાણીએ છીએ તેમ આજકાલ જમીનની કિંમત ખાસ્સી વધી ગઈ છે અને ઓછી જમીનની અંદર લોકો વધારે ને વધારે સગવડતાઓનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરતાં હોય છે.ખાસ કરીને કોમર્શિયલ કે ઈન્ડસ્ટ્રીયલ મિલ્કતોમાં જ્યાં વધારે ઊંચાઈ મળતી હોય ત્યારે ઊંચાઈને બે ભાગમાં વહેંચીને માળિયું કે મેઝેનાઈન ફ્લોર બનાવવામાં આવતો હોય છે જે જગ્યાનો ઉપયોગ બમણો કરી દે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ઈશાન ખૂણામાં આપણે વધારે વજન રાખવાનું નથી, કેમકે અહીં રહેલું ભારે વજન તમોને આર્થિક પ્રગતિમાં અવરોધ આપી શકે છે તથા વ્યવસાયની તકોમાં સમસ્યાઓ આપી શકે છે.
અને માટે જો જગ્યાના અભાવે આપને માળિયું કે મેઝેનાઈન ફ્લોર બનાવવો જ પડે તેમ હોય તો તે મિલ્કતના દક્ષિણ પશ્ર્ચિમ અને નૈઋત્ય ભાગમાં બનાવવો જોઈએ તથા માળિયું ઈશાન ખૂણામાં બનાવવાનું ટાળવું જોઈએ.
- Advertisement -
મિલ્કતમાં ઈશાન ખૂણો કટ થવો
ઘણાં ઘરો અથવા ફ્લેટની અંદર ઈશાન ખૂણો કપાયેલો એટલે કે મિસિંગ હોય છે. આવા ઘરોની અંદર સંતાનોને લગતા પ્રશ્ર્નો કે ચિંતાઓ આવ્યા કરે છે તેમજ બાળકોની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં પણ સમસ્યાઓ ઉદ્ભવી શકે છે તેમજ બાળકોના વર્તનને લઈને ઘરમાં હમેશાં ચિંતાઓ જોવા મળતી હોય છે. એ સિવાય ઘણાં કેસમાં જોવામાં આવ્યું છે કે ઘરની અંદર લોકો એકબીજા પ્રત્યે ઓછી લાગણી અનુભવશે તથા ફક્ત પોતાનું ભલું થાય એવી માનસિકતા ધરાવશે.
જો કે ઈશાન ખૂણો કેવી રીતે કટ થયેલો છે? તેના પર તેની અસરોનો ઘણો બધો દારોમદાર રહેશે. ઘણાં લોકો પોતાની સમજ પ્રમાણે પૂર્વ અને ઉત્તર દિશામાં રોડ ધરાવતો પ્લોટ તો લઈ લે છે પરંતુ ઉત્તર પૂર્વમાં બંને બાજુ રોડ હોવાને પરિણામે જે ગોળાઈ આવશે તેના પરિણામો વિશે વિચાર કરતાં નથી. કપાયેલા ઈશાન ખૂણાની અસર ઓછી કરવા કટ થયેલી દીવાલોમાં જો શક્ય હોય તો વેન્ટિલેશન મૂકવાની સલાહ વાસ્તુમાં આપવામાં આવતી હોય છે. આ સિવાય ઘણાં લોકો મિરર એટલે કે અરિસાનો ઉપયોગ કરીને કટ થયેલા ભાગની નકારાત્મક અસર ઓછી કરવાનો પ્રયત્ન કરતાં હોય છે. અન્ય ઉપાયોમાં તે દિશાના રંગ કે અમુક ચોક્કસ ચિત્રોના ઉપયોગથી ઈશાન ખૂણાની ઊર્જા સંતુલિત કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. જળતત્ત્વ સાથે સંકળાયેલો આ ખૂણો હોવાથી ઘણા નિષ્ણાતો પાણી સાથે સંકળાયેલા ઉપાયો જેમ કે વોટર ફાઉન્ટન, પાણી ભરેલા ત્રાંબાના મંગલ કળશ કે પછી વહેતા પાણી દર્શાવતા ચિત્રોનો ઉપયોગ પણ રેમેડીઝમાં આપતાં હોય છે.
ઈશાન ખૂણામાં બનાવાયેલ સીડી કે પીલર
આપણે આગળ વાત કરી તેમ ઈશાન ખૂણામાં આપણે કોઈપણ પ્રકારનું વજન રાખવાનું નથી. હવે જો અહીં સીડી ગોઠવવામાં આવે છે તો આ ખૂણામાં વજન વધી જશે. સાથોસાથ ઈશાન ખૂણામાંથી સારી ઊર્જા મેળવવા માટે જે બારીઓ ઈશાન ખૂણામાં રાખવાની છે તે ત્યાં નહીં રાખી શકાય તેથી ઈશાન ખૂણામાં સીડી કે સ્ટેરકેસ ગોઠવવી જોઈએ નહીં. તેવી જ રીતે આ ખૂણાની અંદર કોઈ મોટી સાઈઝનો જાડો કોલમ પણ રાખવો નહીં.
ઈશાન ખૂણામાં આપની મિલ્કતની બહાર ખૂબ જ ઊંચાઈ ધરાવતાં વૃક્ષો કે મોટા પોલ કે થાંભલો ન હોય તે આવશ્યક છે.
ઈશાન ખૂણો સ્વચ્છતા સાથે સંકળાયેલો કોણ છે, માટે ઈશાન કોણના મંદિરની આસપાસ સાવરણી કે અન્ય રોજબરોજની સાફસફાઈની વસ્તુઓ ન રાખવી, તેમજ સ્ટોર રૂમ કે અન્ય સ્ટોરેજ અહીં (ઈશાન ખૂણામાં) કરવાનું ટાળવું જોઈએ.
ઈન્ડસ્ટ્રીઝ કે ફેકટરીની અંદર ઈશાન ખૂણો
ઈન્ડસ્ટ્રીઝ કે ફેકટરીની અંદર ઈશાન ખૂણામાં બાંધકામને લગતા દોષો વિશે વિચાર કરીએ તો આ ખૂણાની અંદર આપણે ફરનેશ એટલે કે ભઠ્ઠી રાખવાની નથી. સાથે-સાથે જનરેટર કે બોઈલરને પણ ઈશાન ખૂણામાં રાખવા નહીં.
કારણ કે આ ખૂણામાં જો અગ્નિને લગતી કોઈપણ પ્રક્રિયાઓ થતી હશે તો પ્રોડકશન એટલે કે ઉત્પાદક ક્ષમતા ઉપર તેની ઘણી વિપરીત અસર થશે, જેની અંદર તૈયાર માલમાં રિજેકશનનું પ્રમાણ વધારે હોવું કે પછી સમય મર્યાદાની અંદર માલ તૈયાર ન થવો અથવા તો તેની અંદર ક્વોલિટીને લગતા નાના-મોટા ઈસ્યુ સતત આવવા આ પ્રકારના પ્રશ્ર્નો ઈન્ડસ્ટ્રીઝની અંદર ઘણી વાર જોવામાં આવ્યા છે. માટે ઈન્ડસ્ટ્રીઝની અંદર ભઠ્ઠી બોઈલર કે ઈલેકટ્રીક કનેકશન અને ડિસ્ટ્રીબ્યુશન અગ્નિ ખૂણામાં રહે તેનો ખાસ ખ્યાલ રાખવો.
વાસ્તુ પ્રમાણે ઈન્ડસ્ટ્રીઝ બનાવતી વખતે કામની શરૂઆતમાં તો લોકો ઈશાન ખૂણો ખાલી અને વ્યવસ્થિત રાખતાં હોય છે પરંતુ વિઝિટ દરમિયાન ઘણીવાર અનુભવ્યું છે કે સમય જતાં જગ્યાના અભાવે ત્યાં મોટી વજનવાળી વસ્તુઓ લોકો રાખતા હોય છે અને ઘણીવાર સાફ-સફાઈનો પણ ત્યાં અભાવ જોવા મળતો હોય છે જેના પરિણામે આ ખૂણાની શુભ ઊર્જાનો લાભ સંપૂર્ણ રીતે મેળવી શકાતો નથી.
ઔદ્યોગિક વિકાસની સાથે સાથે હવે ફેકટરીની અંદર જ માણસોના રહેવા માટેના રૂમ એટલે કે લેબર ક્વાર્ટર બનાવવાની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે. હવે જો ઈશાન ખૂણાની અંદર લેબર ક્વાર્ટર બનાવવામાં આવ્યા હશે તો ફેકટરીની અંદર કામ કરતાં માણસો માલિકો પાસેથી વધારે લાભ મેળવશે અને કાર્ય પદ્ધતિને લઈને માલિકો સાથે વિચારભેદ રહ્યા કરશે તેથી લેબર ક્વાર્ટર ઈશાન ખૂણામાં બનાવવા નહીં.
ઈશાન ખૂણામાં રસોડું
હવે જો આપનુ રસોડું ઈશાન ખૂણામાં જ છે તો શું અસર આવે છે? તે વિશે વિચારીએ તો ઈશાન ખૂણામાં રહેલ રસોડું કારણ વગરના નાના-મોટા આર્થિક ખર્ચ સતત આપતું જોવા મળે છે. ઘરના સભ્યો એકમાંથી બીજી શારીરિક બીમારીઓ ભોગવ્યા કરે છે તથા તેના કોઈ ચોક્કસ નિદાન થઈ શકતાં નથી.
ઈશાન ખૂણાના રસોડાની વધારે અસર સ્ત્રીઓ પર થતી જોવા મળે છે તથા તેઓની અંદર માનસિક પરિતાપ અને વિચારોની અસ્થિરતા સતત જોવા મળે છે. ઘણા કિસ્સાઓમાં અહીં રહેલા રસોડાને કારણે સ્ત્રીઓ જીવનને પ્રત્યે ઉદાસીન પણ જોવા મળતી હોય છે. ઈશાન ખૂણામાં રહેલ રસોડાને લઈને લાંબો સમય સુધી દવાઓ લેવી પડે તે પ્રકારની બીમારીઓ થવાની શક્યતાઓ રહેલી છે. ઘણાં કિસ્સાઓમાં એવું પણ જોવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારના નાના-મોટા ઓપરેશન સકસેસફૂલ ન રહેતાં બીજી વાર કરાવવા પડતાં હોય છે.
જેમના ઘરમાં રસોડું ઈશાન ખૂણામાં છે અને તેને તેઓ ચેન્જ કરી શકતાં નથી, તે લોકોએ ગેસ એટલે કે ચૂલાની પોઝિશન ઈશાન ખૂણાથી દૂર પૂર્વ બાજુ કરવી જોઈએ.
ઈશાન ખૂણામાં ટોઈલેટ
ઈશાન ખૂણામાં રહેલું ટોઈલેટ એક બહુ મોટો વાસ્તુદોષ આપે છે અને પરિવારના સભ્યોને ગંભીર પ્રકારની શારીરિક પીડા આપી શકે છે. સૌથી વધારે કેસ એ પ્રકારના ધ્યાનમાં આવ્યા છે કે લાંબા ગાળા સુધી દવા લેવી પડે તે પ્રકારની બીમારી અહીં રહેલું ટોઈલેટ આપે છે.
ઘણાં મોટા ફ્લેટની અંદર એકાદ ટોઈલેટ તો ઈશાન ખૂણામાં આવતું જ હોય છે. આવા સંજોગોની અંદર જો ટોઈલેટ ત્યાંથી હટાવી શકાય તેમ ન હોય તો કમસેકમ ત્યાંના કમોડનો ઉપયોગ તો ક્યારેય કરવો નહીં જ.
ખોટી દિશા કે ખૂણામાં રહેલા ટોઈલેટ માટે વાસ્તુમાં કાચા મીઠાના બાઉલ ટોઈલેટમાં રાખવાની સલાહ આપવામાં આવતી હોય છે, જેને નિયમિત સમયના અંતરે બદલતા રહેવા જોઈએ. અન્ય ઉપાયોની વાત કરીએ તો અમુક ઈન્ડોર પ્લાન્ટ્સ ટોઈલેટમાં રહેલી નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં સહાયક થતાં હોય છે જેને ટોઈલેટમાં રાખવાની સલાહ આપવામાં આવતી હોય છે. કોઈ કોઈ કિસ્સામાં એ પણ જોવામાં આવ્યું છે કે ઈશાન ખૂણાનું રહેલું ટોઈલેટ નબળી યાદશક્તિ આપે છે. સાથોસાથ આ ટોઈલેટનો ઉપયોગ કરનાર વ્યક્તિ પોતાના વિચારો કે નિર્ણયોમાં સ્પષ્ટ હોતા નથી. ઈશાન ખૂણો જ્યાં ડિસ્ટર્બ કે દૂષિત હોય ત્યાં માથાનો દુ:ખાવો કે માઈગ્રેન કે પછી ગળાને લગતી સમસ્યાઓ કોઈ કિસ્સાઓમાં જોવા મળતી હોય છે.
ઈશાન ખૂણામાં સેપ્ટિક ટેન્ક
આ સિવાય જો આપના ઘરની કે આપની કોમર્શિયલ પ્રોપર્ટીની સેપ્ટિક ટેન્ક ઈશાન ખૂણામાં રહેલી હશે તો પણ એક વાસ્તુદોષ ઉદ્ભવે છે. આગળ કહ્યા મુજબ ઈશાન ખૂણામાંથી પૂરા ઘરની સારી ઊર્જા પ્રસરે છે અને આ શુભકિરણો જો ઈશાન ખૂણામાં સેપ્ટિક ટેન્ક રહેલી હશે તો દૂષિત થશે અને ઊર્જાચક્રને અસંતુલિત કરશે માટે જો આપની મિલ્કતમાં સેપ્ટિક ટેન્ક ઈશાન ખૂણામાં રહેલી છે તો તેને સાફ કરાવી સારી માટી કે નવી મોરમ ભરી બંધ કરવી તથા નવી સેપ્ટિક ટેન્ક વાયવ્ય ખૂણામાં કે અગ્નિ ખૂણામાં બનાવવી.
ઈશાન ખૂણામાં ઓવરહેડ વોટર ટેન્ક
વોટર ટેન્ક વિશે આપણે આગલા અંકોમાં ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરી ચૂક્યા છીએ. વાસ્તુ પ્રમાણે ગ્રાઉન્ડ લેવલ પર કે ટેરેસ લેવલ પર ઈશાન ખૂણો હમેશાં નીચો હોવો જોઈએ અને ઈશાનમાંથી આવતી શુભ ઊર્જા માટે કોઈપણ પ્રકારનું બાંધકામ કે અવરોધ ત્યાં ન હોવા જોઈએ.
ઉપરાંત વજનની વાત કરીએ તો આ ખૂણો આપણે પ્રમાણમાં સૌથી લાઈટવેઈટ કે હલકો રાખવાનો છે તેથી ઈશાન ખૂણામાં ઊંચું બાંધકામ ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવી અને ઓવરહેડ વોટર ટેન્ક ક્યારેય પણ ત્યાં ગોઠવવી નહીં.
બીજી એક વાત પ્રત્યે ખાસ ધ્યાન દોરીશ કે ઈશાન ખૂણો દૂષિત છે તો તેને લઈને ભયભીત થવું વિકલ્પ નથી, કેમકે જેમ બીમારી છે અને તેની દવા પણ છે. આગળ વાત કરી તેમ રત્ન, કલર થેરાપી, સાઉન્ડ થેરાપી, મીઠા કે કપૂરના ઉપયોગથી, વૃક્ષો અને અન્ય ઈન્ડોર પ્લાન્ટ્સ, યંત્રો કે મિરર (અરિસા)નો ઉપયોગ કરીને લોકો સારૂં પરિણામ મેળવતાં હોય છે.
હા, પણ એક વસ્તુ ખરી કે બાંધકામ દરમિયાન શાસ્ત્રોના નિયમોનું ઉલ્લંઘન ન કરીએ અને વાસ્તુસંગત બાંધકામ કરીએ તો આ બધી સારી ઊર્જાનો સરળતાથી લાભ મેળવી શકીએ.
જેવી રીતે કોઈ એક જ બીમારીની અસર અલગ-અલગ પેશન્ટ પર અલગ-અલગ રીતે થતી હોય છે. દવા અને સારવાર પણ બધાને એકસરખી રીતે અસર કરતી હોતી નથી, અને જેના માટે વ્યક્તિની તાસિર, જીવનશૈલી અને બીજી ઘણી બધી બાબતોનો આધાર છે તેમ કોઈપણ વાસ્તુદોષની અસરો માટે આપના ભાગ્યબળ સહિત બીજી ઘણીબધી બાબતો જવાબદાર રહેતી હોય છે અને તેથી જ એકસરખા દોષ ધરાવતી મિલ્કતોની અંદર અલગ-અલગ પરિણામો જોવા મળતાં હોય છે અને આ પરિણામની તીવ્રતા અને તેના સમયગાળામાં પણ ફેરફાર જોવા મળતો હોય છે.
ફરી મળીશું નવા કોઈ વિષય સાથે આવતાં શનિવારે…